જામનગરના ખોડિયાર કોલોનીમાં ગઈરાત્રે બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થતા સામસામી ફરિયાદ થઈ છે. જ્યારે એક બસચાલકને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ચાર શખ્સોએ ધોકાવ્યો છે તેમજ અંધાશ્રમ આવાસ કોલોનીમાં કૂતરાની બાબતે એક મહિલાને દંપતિએ ગાળો ભાંડી લાકડું ફટકાર્યું છે.જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા વેલનાથનગરમાં આવેલી પાનની દુકાને ગઈકાલે રાત્રે નવેક વાગ્યે મૂળ રાજકોટના અને હાલમાં વેલનાથનગરમાં રહેતા અર્જુનભાઈ જીતેન્દ્રભાઈ પરમાર માવો ખાવા માટે ગયા હતા.
આ વેળાએ ત્યાં હાજર પંકજ નામના શખ્સ સાથે કોઈ બાબતે બોલાચાલી થતા અર્જુનભાઈ પર પંકજ, ભાવેશ, ધીરૃ સવજીભાઈ, જીતેશ જયંતિભાઈએ ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુ વરસાવ્યા હતા અને ફરિયાદ પાછી ખેંચી લેજો, નહીંતર તને તથા પિત્તરાઈ શૈલેષને પતાવી દઈશું તેવી ધમકી આપી હતી જેની અર્જુનભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદની સામે હિતેશ છગનભાઈ વાઘાણીએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, પાનની દુકાને મળી ગયેલા પંકજ તથા ભાવેશ સાથે શૈલેષ રમેશભાઈ, રમેશ મોહનભાઈ, અરવિંદ ઉર્ફે અવલો તથા અર્જુન પરમાર નામના શખ્સોએ ઝઘડો શરૃ કર્યો હતો.
આ વેળાએ હિતેશભાઈ સમજાવટ માટે વચ્ચે પડતા તેમના પર અરવિંદે પાઈપ ઝીંકયો હતો. જ્યારે બાકીના ત્રણ વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રાજ ચેમ્બર પાસે ગઈકાલે રાત્રે અગિયારેક વાગ્યે અશોક પ્રવિણભાઈ રાવલ પોતાની બસ ઉભી રાખી ખાનગી કંપનીના અધિકારીઓને ડ્રોપ કરી રહ્યો હતો ત્યારે યુવરાજસિંહ, રવિરાજસિંહ, હરપાલસિંહ તથા આનંદ દરજી નામના ચાર શખ્સો પાઈપ સાથે ધસી આવ્યા હતા. તેઓએ અગાઉ કરેલી ફરિયાદ પાછી લઈ લેજે તેમ કહી માર માર્યો હતો અને ધમકી આપી હતી જેની અશોકભાઈએ ફરિયાદ નોંધાવી છે.