જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે બપોરે બે કેદીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થયા પછી બન્ને કેદીઓ તરફથી ધસી આવેલા અન્ય કાચા કામના કેદીઓ પણ મારામારીમાં જોડાઈ ગયા હતા. અચાનક બનેલા આ બનાવના પગલે જેલનો સ્ટાફ દોડયો હતો. તેઓએ ફ્રેકચર સહિતની ઈજા પામેલા કેદીના જેલની હોસ્પિટલમાં જ સારવાર અપાવી હતી તે પછી મોડીરાત્રે ઈજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની એક કેદીએ ફરિયાદ નોંધાવી છે જેમાં કાચા કામના બે કેદીઓના આરોપી તરીકે નામ અપાયા છે.
જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે બપોરે બારેક વાગ્યે જેલના નિયમ મુજબ જ્યારે પટાંગણમાં રહેલા કેદીઓને ફરજ પરના સંત્રીઓએ બેરેકમાં બંધ કરવાની તજવીજ કરી ત્યારે ગઈ નવરાત્રિમાં ખંભાળિયા તાલુકાના દાંતા ગામમાં થયેલી એક હત્યામાં આરોપી તરીકે સંડોવાઈને હાલમાં જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા રાજુ ભીમા સરસિયા ઉર્ફે રામા ભરવાડ તથા સિક્કા નજીક થયેલી એક હત્યાના આરોપમાં પકડાયેલા કાચા કામના કેદી ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા વચ્ચે છૂટા હાથની મારામારી શરૃ થઈ હતી.
થોડા દિવસોથી બે અલગ અલગ બેરેકમાં રહેલા રાજુ ભીમા તથા ભરતસિંહ વચ્ચે કોઈ બાબતે ચકમક ઝરી હતી જેના પગલે બન્ને વચ્ચે થતી બોલાચાલી ગઈકાલે બપોરે મારામારીના સ્વરૃપે સપાટી પર આવી હતી. આ બન્ને કેદીઓ ઢીકાપાટુ વરસાવી રહ્યા હતા તે દરમ્યાન મારામારીમાં ભરતસિંહ તરફથી મુકેશ શર્મા નામનો સિંધી શખ્સ અને કુલદીપસિંહ નટુભા પરમાર ઉર્ફે લાલો નામના બે કાચા કામના કેદીઓ પણ જોડાયા હતા.
કાચા કામના કેદી રાજુ પર થયેલા હુમલા વેળાએ બૂમરાણ મચતા જેલર વી.પી. ગોહિલ સહિતનો ફરજ પરનો સ્ટાફ દોડયો હતો તેઓએ આ કેદીઓને છૂટા પાડવાની કોશિષ કરી હતી. હુમલામાં રાજુ તેમજ ભરતસિંહ, કુલદીપસિંહ અને મુકેશને ઈજા થઈ હતી. ચારેય જેલની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ આ કેદીઓને વધુ સારવારની જરૃરિયાત જણાતા તેઓને રાત્રે જી.જી. હોસ્પિટલમાંં સારવારાર્થે ખસેડવામાં આવ્યા હતા. જેલમાં કેદીઓ વચ્ચે જામી પડી હોવાની વિગતો મળતા એસઓજી તથા એલસીબીનો કાફલો પણ ધસી ગયો હતો. જ્યારે બન્ને પક્ષના પરિવારજનોને જાણ થતા તેઓ પણ જેલની બહાર એકઠા થઈ ગયા હતા.
ઉપરોક્ત બનાવ અંગે આજે વહેલી સવારે કુલદીપસિંહ ઉર્ફે લાલા પરમારે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યા મુજબ કુલદીપસિંહ અને તેની સાથે બેરેકમાં રહેલા અન્ય કાચા કામના કેદીઓ રાજુ ભીમા સરસિયા અને હિતેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા નામના કાચા કેદીઓ સાથે બેસવા જતાં ન હોય બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખી ગઈકાલે બપોરે જેલના પટાંગણમાં કુલદીપસિંહ, ભરતસિંહ તથા મુકેશ શર્મા પર રાજુ અને હિતેન્દ્રસિંહએ ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો. આ વેળાએ હિતેન્દ્રસિંહએ છરી જેવું કોઈ હથિયાર પણ ભોંકી દીધું હતું. પીએસઆઈ જે.સી. ગોહિલ આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,