૧૦ હજાર કેમ આપતો નથી તેમ કહી મારી લૂંટ કરી હતી મુખ્ય આરોપીને બે વર્ષ અને ૩ સહ આરોપીને એક વર્ષની કેદ
થાનમાં રહેતા વેપારી ફેબ્રુઆરી માસમાં રાત્રે દુકાન બંધ કરી જતા હતા. ત્યારે ચાર શખ્સોએ તેમના બાઇક આગળ બાઇક ઉભુ રાખી રૂપિયા ૧૦ હજાર કેમ આપતો નથી તેમ કહી લોખંડના પાઇપથી માર મારી રૂપિયા ૪૪ હજારની મત્તાની લૂટ ચલાવી હતી. આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને બે વર્ષ અને ત્રણ સહ આરોપીઓને ૧ વર્ષની સજા ફટકારી છે. ઉપરાંત ૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
થાનની બજારમાં દુકાન ધરાવી વેપાર કરતા અશોકભાઇ વનુભાઇ વારેવડીયા તા. ૨૦-૨-૧૮ના રોજ દુકાન વસ્તી કરીને તેમની દુકાનના માણસને મુકવા જતા હતા. ત્યારે ધોળેશ્વર ફાટક પાસે અશોકભાઇના બાઇકને અટકાવી કમલેશભાઇ રાજાભાઇ ગોગીયાએ અગાઉ મેં માંગેલ રૂપિયા ૧૦ હજાર કેમ આપતો નથી તેમ કહી લોખંડના પાઇપથી માર માર્યો હતો. જયારે હિતેશભાઇ લક્ષ્મણભાઇ ગોગીયા, નરેશભાઇ રાજાભાઇ પરમાર, જયેશભાઇ મંગાભાઇ રાઠોડે એક સંપ કરી ઢીકાપાટુનો માર મારી અશોકભાઇનો સોનાનો ચેન અને દુકાનનો વકરો મળી રૂપિયા ૪૪,૮૦૦ના મત્તાની લૂંટ ચલાવી હતી. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડાયા હતા. આરોપીઓ સામે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ થાન જયુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ ડી.એ.બ્રહ્મભટ્ટની દલીલો, ૧૪ મૌખીક પુરાવા અને ૮ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ જજ જી.એસ.દરજીએ ચારેય આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. મુખ્ય આરોપી કમલેશભાઇ રાજાભાઇ ગોગીયાને બે વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૫ હજારનો દંડ ફટકારાયો છે.
જયારે સહ આરોપી હીતેશભાઇ લક્ષ્મણભાઇ ગોગીયા, નરેશભાઇ રાજાભાઇ પરમાર અને જયેશભાઇ મંગાભાઇ રાઠોડને એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૫ હજારનો દંડ ફટકારતો હૂકમ કોર્ટે કર્યો છે. કોર્ટે ચારેય આરોપીઓને ગુનામાં તકસીરવાન ઠેરવી સજાનો હુકમ કરતાં ચકચાર મચી ગઇ હતી.