• ગાઢ ગ્રીનરી ધરાવતા પ્રદ્યુમન પાર્કનું તાપમાન 41 ડિગ્રી તો સતત ટ્રાફિકથી ધમધમતા ત્રિકોણ બાગનું તાપમાન માત્ર 33 ડિગ્રી નોંધાયું: અમૂક સ્થળોએ બપોરે 1:30 કરતા ચાર વાગ્યાનું તાપમાન ઓછું નોંધાતા ભારે આશ્ચર્ય

Screenshot 2 20રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મહત્તમ તાપમાન, એર ક્વોલીટી ઇન્ડેક્સ, યુ.વી. ઇન્ડેક્સ, પી.પી.બી., પી.પી.એમ. સહિતની ચોક્કસ માહિતી મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા સેન્સર મૂકવામાં આવ્યા છે. જેમાં મોટી ગડબડ હોવાનું બહાર આવી રહ્યું છે. એક જ દિવસે અને એક જ સમયે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં આઠ ડિગ્રી જેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. બીજી તરફ સામાન્ય રીતે બપોરે 1:30 કલાકની સરખામણીએ ચાર કલાકે તાપમાન વધુ નોંધાતું હોય છે. પરંતુ કોર્પોરેશનના સેન્સરમાં અમૂક સ્થળે ચાર કલાક કરતા 1:30નું તાપમાન વધુ નોંધાયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. હાલ સેન્સર અપગ્રેશન કરવાની કામગીરી ચાલું છે. જે સંતોષકારક થતી ન હોવાનું પણ રિપોર્ટ પરથી પ્રસ્થાપિત થાય છે.

સામાન્ય રીતે સતત ટ્રાફિકથી ધમધમતા સર્કલ કે રાજમાર્ગ પર તાપમાનનો પારો ઉંચો રહેતો હોય છે અને ગ્રીનરી હોય તેવા વિસ્તારમાં તાપમાન નીચું નોંધાતું હોય છે. પરંતુ કોર્પોરેશનના સેન્સરો જાણે અવળી દિશામાં કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સતત ટ્રાફિકથી ધમધમતા એવા ત્રિકોણ બાગ ખાતે બપોરે 1 કલાક અને 23 મિનિટે તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. આ જ સમયે ગાઢ ગ્રીનરી ધરાવતા અને જ્યાં ટ્રાફિક ખૂબ જ નહિંવત હોય છે તેવા પ્રદ્યુમન પાર્કનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. એક જ શહેરમાં ચારથી પાંચ કિલોમીટરની અંતર ધરાવતા બે વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં આઠ ડિગ્રીનો તફાવત હવામાન શાસ્ત્રીઓને ચકરાવે ચઢાવી તે તેવો છે. આવું માત્ર એક વખત નહિં દિવસમાં બે વખત નોંધાયું છે. બપોરે 4 કલાકે સામાન્ય રીતે દિવસનું સૌથી વધુ તાપમાન નોંધાતું હોય છે.

પરંતુ કોર્પોરેશનના સેન્સર ઉંધી દિશામાં ચાલ્યા હોય તેમ 1:30 કલાકની સરખામણીએ ચાર વાગ્યે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઇકાલે ચાર વાગ્યા ત્રિકોણ બાગનું તાપમાન 32.99 ડિગ્રી રહ્યું હતું. જ્યારે પ્રદ્યુમન પાર્કનું તાપમાન 40.5 ડિગ્રી રહેવા પામ્યું હતું. સેન્સર કંઇ રીતે કામ કરે છે તેની કલ્પના કરવી મુશ્કેલ બની ગઇ છે. કારણ કે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ચાર વાગ્યાનું તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાઢ ગ્રીનરી ધરાવતા રેસકોર્ષનું તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત આજી ડેમ ચોકડીનું તાપમાન 40.51 ડિગ્રી, અટિકા ફાટકનું તાપમાન 40.52 ડિગ્રી, ગ્રીનલેન્ડ ચોકડીનું તાપમાન 40.59 ડિગ્રી, જિલ્લા પંચાયત ચોકનું તાપમાન 35.78 ડિગ્રી, કોઠારિયા રોડનો તાપમાન 40.51 ડિગ્રી, મોરબી રોડ પરનું તાપમાન 40.59 ડિગ્રી, કોર્પોરેશનની ઇસ્ટ ઝોન કચેરીનું તાપમાન 39.86 ડિગ્રી અને સોરઠીયા વાડી સર્કલનું તાપમાન 33.31 ડિગ્રી નોંધાયું હતું.

કોઠારિયા રોડ પર એર ક્વોલીટી ઇન્ડેક્સ પણ વધું

શહેરના કોઠારિયા રોડ પર એર ક્વોલીટી ઇન્ડેક્સ માત્રા પણ ચિંતાજનક હદે વધી રહી છે. સામાન્ય રીતે એર ક્વોલીટી ઇન્ડેક્સ 100 સુધી હોય તો તે જોખમી ગણાતો નથી. પરંતુ કોઠારિયા રોડ પર બપોરે 1:23 કલાકે એર ક્વોલીટી ઇન્ડેક્સ 101 જ્યારે બપોરે ચાર કલાકે 102 એ પહોંચી જવા પામ્યો હતો. આ ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડીએ પણ એર ક્વોલીટી ઇન્ડેક્સનું પ્રમાણ 100 નોંધાયું હતું. જ્યારે આજી ડેમ ચોકડીએ 90, અટિકા ફાટક 64, જિલ્લા પંચાયત ચોકમાં 60, મોરબી રોડ પર 86, પ્રદ્યુમન પાર્કમાં સૌથી ઓછું 25, રેસકોર્ષ ખાતે 76, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ 59, ઇસ્ટ ઝોન કચેરીએ 92, સોરઠીયા વાડી સર્કલે 76 અને ત્રિકોણ બાગ ખાતે 80 નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.