પેરાલિમ્પિક કોમનવેલ્થ, પેરા-સ્પોર્ટસ અને પેરા-એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરનારા રમતવીરોની સીધી ભરતી કરવાનો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
દિવ્યાંગ રમતવીરોને મોટું પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં પેરાલિમ્પિક કોમનવેલ્થ, પેરા-સ્પોર્ટ અને પેરા – એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરનારા રમતવીરોની વર્ગ 1 અને 2માં સીધી ભરતી કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયાની રમતોમાં મેડલ પ્રાપ્ત કરનારા રમતવીરોને વર્ગ -1 અને 2ની સીધી ભરતીમાં નિમણૂંક આપવામાં આવતી હતી. પણ હવે સરકારે દિવ્યાંગ રમતવીરોને પણ પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારેલ દ્વારા અગાઉના નિર્ણયમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં પેરાલિમ્પિક કોમનવેલ્થ પેરા-સ્પોર્ટ અને પેરા – એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરનારા દિવ્યાંગ રમતવીરોને પણ સુનિશ્ચિત કરાયેલી જગ્યાઓ માટેની ઓફર કરવાનો નિર્ણય કરાયો છે.
રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કુતિક પ્રવુતિઓના વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ગુજરાત ખેલકૂદ નીતિ 2016 અન્વયે રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રમતવીરોની રાજયની સેવામાં નિમણૂંક આપવા અંગેની સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગે જારી કરેલા ઠરાવમાં જણાવ્યુ છે કે, પેરાલિમ્પિક કોમનવેલ્થ પેરા-સ્પોર્ટ અને પેરા – એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરનારા રમતવીરોને વર્ગ 1 અને વર્ગ-2ની સીધી ભરતીમાં રાજય સરકારની સેવામાં નિમણૂંક આપવા અંગેની સ્પષ્ટતા પ્રસિધ્ધ કરવાની બાબત સરકારના વિચારણાં હેઠળ હતી. ચર્ચા-વિચારણાંના અંતે સામાન્ય વહીવટ વિભાગે સ્પષ્ટતા જારી કરી છે.
જેમાં જણાવ્યું છે કે, ગુજરાતના દિવ્યાંગ રમતવીર ઉમેદવારો દ્વારા પેરાલિમ્પિક, કોમનવેલ્થ પેરા-સ્પોર્ટ અને પેરા- એશિયન ગેમ્સમાં મેડલ ( પદક )ના આધારે રાજય સરકારની દિવ્યાંગ માટે સુનિશ્ચિત કરાયેલી જગ્યા-સેવા માટે ઓફર કરાશે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.