લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષમાં પણ રાહતની બજારને અપેક્ષા
આવતા મહિને કેન્દ્રીય બજેટ રજુ થશે. બજેટમાં શેરબજારને રાહત મળે તેવી અપેક્ષા છે. ખાસ કરીને એસટીટી અને એલટીસી એટલે કે સિકયુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ અને લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ આ બન્ને ટેક્ષમાં સુધારાની અપેક્ષા બજારને છે.
હાલમાં શેરબજાર પર થતા ટ્રાન્ઝેક્શન પર એસ.ટી.ટી., જી.એસ.ટી., સ્ટેમ્પ ડયુટી ઉપરાંત સેબી ફી – એક્સ્ચેન્જ ટર્ન ઓવર ચાર્જીસ, ડી.પી. ચાર્જીસ અને બ્રોકરેજ એમ સાત પ્રકારના ખર્ચાઓ લાગે છે. ઉપરાંત લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ અથવા શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગે છે, એટલે કે ડાયરેકટ ટેક્ષ પણ લાગી રહ્યા છે. જેને લીધે શેરબજારના વ્યવહારો મોંઘા પડી રહ્યા છે.
અગાઉ સિકયુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ, ઈન્કમ ટેક્ષની સામે સેટ ઓફ થતો હોય શેરબજારના રોકાણકારોને ફાયદો થતો હતો. હવે આ લાભ મળતો નથી. જી.એસ.ટી. આવવાથી સ્ટેમ્પ ડ્યુટી નીકળી જવી જોઈતી હતી પરંતુ અત્યારે જી.એસ.ટી. અને સ્ટેમ્પ ડયુટી બન્ને ટેક્ષ શેરબજારના ખરીદ-વેચાણના વ્યવહારો ઉપર લાગે છે.
જો બજેટમાં થોડીક ટેક્ષને લઈને રાહત મળશે તો નક્કી બજારને ફાયદો થશે. ઉપરાંત ટર્ન ઓવરમાં વધારો થશે. રોકાણકારો રોકાણ કરવા આકર્ષાશે.
ભારતીય શેરબજારમાં લોકોનું ડાયરેકટ રોકાણ ખૂબ જ ઓછું છે. એક બેન્ક ડીપોઝીટ્સ – એલ.આઇ.સી. અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધારે કરી રહ્યાં છે. ખરેખર જો શેરબજારને પ્રોત્સાહીત કરવામાં આવે તો બેન્ક ડીપોઝીટ્સના રોકાણમાંથી લોકો નીકળી અને શેરબજારમાં રોકાણ કરશે.
હાલમાં દેશમાં દશેક કરોડ ડીમેટ એકાઉન્ટ છે, પરંતુ ઘણા એકાઉન્ટ્સમાં સેઈમ પાન નંબર ધરાવતા એકાઉન્ટસ વધારે છે, એટલે કે ખરા અર્થમાં 7 કરોડ જેટલા ડીમેટ એકાઉન્ટ હશે તેવું કહી શકાય. એમાં પણ એક લાખ રૂપીયાથી વધુ હોલ્ડીંગ હોય તેવા એકાઉન્ટસ ઘણાં ઓછા છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર જો બજેટમાં ટેક્ષમાં કોઈપણ રીતે રાહત મળશે કે ઘટાડો જાહેર થશે તો સેન્સેક્સ ખૂબ જ નજીકના ભવિષ્યમાં 70,000ની સપાટી કુદાવશે.
બજારને તંદુરસ્ત બનાવવા માટે ટેક્ષનું ભારણ ઘટાડવાની જરૂર છે અને શેરબજારને આગામી બર્જેટમાં મોટી અપેક્ષા છે.