૨૦૨૮ સુધીમાં ભારતીય શેરબજારનો માર્કેટ કેપ ૩ ગણો થવાની મોર્ગન સ્ટેનલીને અપેક્ષા
આગામી ૧૦ વર્ષના સમયગાળામાં સેન્સેકસ ૧ લાખના આંકને આંબી જશે તેવી આશા મોર્ગન સ્ટેન્લી દ્વારા સેવવામાં આવી રહી છે.
મોર્ગન સ્ટેન્લીના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર ૨૦૨૮ સુધીમાં ૧૧.૨ ટકાના દરથી વિકાસ કરશે.
વિશ્ર્વભરના શેર માર્કેટમાં નામના ધરાવતી પેઢી મોર્ગન સ્ટેન્લીએ નિવેદનમાં કહ્યું હતું કે, અમે બીએસઈ સેન્સેકસને ૧ લાખના
આંકને આંબી શકતા જોઈ રહ્યાં છીએ.આગામી પાંચ વર્ષમાં ઐતિહાસીક રીટર્ન સેન્સેકસમાંથી મળે તેવી શકયતા છે.
હાલ ભારતીય શેરબજારનો માર્કેટ કેપ ૨ ટ્રીલીયન ડોલર છે ત્યારે મોર્ગન સ્ટેન્લીએ આગામી સમયમાં ભારત વિશ્ર્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ શેરબજાર (૬ ટ્રીલીયન ડોલર) બની જાય તેવી આશા છે. આ વિકાસ માટે ડિજીટલાઈઝેશનમાં મહત્વનું બની રહેશે તેવું પણ કહેવાયું છે. જીડીપીના વિકાસમાં ડિજીટાઈઝેશન ૫૦ થી ૭૫ બેઝીક પોઈન્ટનો ઉછાળો આપશે.
મોર્ગન સ્ટેન્લીએ આગામી વર્ષોમાં ભારતની જીડીપીનો વાર્ષિક દર ૭.૧ થી ૧૧.૨ વચ્ચે રહેશે તેવી આશા પણ વ્યકત કરી છે. ડોમેસ્ટીક પ્રોડકટ ગ્રોથ ખૂબજ મજબૂત રહેતા ઈકવીટી માર્કેટનું પ્રદર્શન પણ આગામી વર્ષમાં ફાયદાજનક રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને જીએસટી જેવા પગલાના કારણે અર્થતંત્રની વૃધ્ધિ છેલ્લા થોડા સમયમાં ધીમી પડી છે. એક સપ્તાહની અંદર ૧૨૭૦ પોઈન્ટના જંગી ગાબડાના કારણે શેરબજારમાં રૂ.૬.૨૧ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે. ગઈકાલે સેન્સેકસમાં ૪૪૦ પોઈન્ટનો પ્રચંડ કડાકો બોલ્યા બાદ આજે પણ શેરબજારમાં સેન્સેકસ-નિફટી ભારે દબાણમાં જણાય રહી છે.