ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા જ દિવસે તેજીમાં કારોબાર થઈ રહ્યો છે. બપોરે 3 કલાકે સેન્સેકસ 393 પોઈન્ટ ઉછળીને 50164ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. ઘણા સમયથી સેન્સેકસ 50,000ની સપાટીથી નીચે જવા પ્રયત્ન કરે છે. આજે પણ બજાર ખુલતા પહેલા સેન્સેકસ 50,000થી નીચે હતો. ત્યારબાદ એક તબક્કે સેન્સેકસમાં 450 પોઈન્ટનો ઉછાળો પણ જોવા મળ્યો હતો.
ટાઈટન, અલ્ટ્રાટેક સીમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઈન્ડુસીન્ડ બેક, એસબીઆઈ સહિતની સ્ક્રીપ્ટમાં આજે 1.68થી લઈ 3.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ ઓએનજીસી, પાવર ગ્રીન, આઈટીસી, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા ટોચના શેર 0.70 ટકાથી લઈ 1.73 ટકા જેટલા તુટ્યા છે. આ લખાય છે ત્યારે સેન્સેકસમાં બેન્કિંગ સેકટરમાં વધુ તેજી જોવા મળી છે. આજે બજાર ખુલતા જ બેન્કિંગ સેકટર ઉંચુ જોવા મળ્યું હતું. સેન્સેકસની સાથે નિફટી પણ આજે 202 પોઈન્ટ ઉછળી છે. આ લખાય છે ત્યારે નિફટી 14840ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ બેંક નિફટીમાં 600 પોઈન્ટનો વધારો નોંધાયો છે. નિફટી મિડકેપમાં પણ તેજી જોવા મળી છે.
દરમિયાન ચીન અને હોંગકોંગની બજારમાં ઘટાડો થયાનું પણ સામે આવ્યું છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્ષ 432 પોઈન્ટ ગગડ્યો હતો. જ્યારે સાંઘાઈ કમ્પોઝીટમાં 40 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત અમેરિકન બજારમાં કારોબારમાં સપાટ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બજાર મામુલી ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ગઈકાલે સેન્સેકસ 49771 અને નિફટી 14736 બંધ રહ્યું હતું.