નિફટીમાં પણ ૯૪ પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયો શરૂઆતમાં મજબુત બન્યા બાદ ૬ પૈસા તુટયો
પ્રચંડ જનાદેશ સાથે આજે સાંજે બીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય શેરબજારે મોદીની તાજપોશીને આગોતરા સલામ કર્યા હોય તેમ આજે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષોમાં તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો મજબુત બન્યા બાદ બપોરે ૬ પૈસા જેટલો તુટયો હતો.
આજે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ તથા નિફટી ઉપરાંત સ્મોલકેપ અને મીડકેપ ઉછાળા સાથે ખુલ્યા હતા. કેન્દ્રમાં ફરી મજબુત સરકાર બની રહી હોય ગત સપ્તાહથી શેરબજારમાં શરૂ થયેલો તેજીનો નવો રાઉન્ડ આજે પણ યથાવત રહેવા પામ્યો હતો.
આજે સાંજે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓની તાજપોશીને શેરબજારે સલામી આપી હોય તેવું બજારમાં જોવા મળ્યું હતું. ગત સપ્તાહે મતગણતરીમાં એનડીએને પ્રચંડ જનાદેશ મળતા શેરબજારમાં શરૂ થયેલી એકધારી તેજી ચાલુ સપ્તાહે પણ યથાવત રહેવા પામી છે.
આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૩૬૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૯,૮૬૪ અને નિફટી ૬૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૯૫૮ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. સ્મોલકેપમાં ઈન્ડેક્ષમાં ૧૨ પોઈન્ટ અને મીડકેપમાં ૧૧૩ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે જયારે અમેરિકી ડોલર સામે રૂપિયો પાંચ પૈસાની નબળાઈ સાથે કામકાજ કરી રહ્યો છે.