નિફટી ૮૮ પોઈન્ટ ઉંચકાયો: રોકાણકારોએ કરોડો રૂપિયા રળ્યા
આજે આર્થિક સર્વે રજુ થતા સેન્સેકસ, નીફટી નવી ટોચે છે. જેમાં સેન્સેકસ ૩૪૫ પોઈન્ટ અપ થતા ૩૬,૩૯૫ની ટોચે આ લખાય છે ત્યારે બપોરે ૨:૦૦ વાગ્યે પહોંચ્યો છે. જયારે નીફટી ૮૮ પોઈન્ટ અપ થતા ૧૧,૧૫૭ ની ટોચે પહોંચ્યો છે.
આજે સંસદમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટેના આર્થિક સર્વે રજુ થતા અગાઉ મુંબઈ શેરબજારનો સેન્સેકસ અને નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી નવી ટોચે ટ્રેંડ થઈ રહ્યા હતા. આજે બપોરે ૧૨ વાગ્યે થયેલા આર્થિક સર્વેમાં ફુગાવા તેમજ આર્થિક વિકાસ દરની સ્થિતિની માહિતી અપાઈ તેમજ ગુરુવારે રજુ થનારા સામાન્ય બજેટનો અંદાજ પણ અપાયો.
અરિહંત કેપિટલ માર્કેટના ડિરેકટર અનિતા ગાંધીએ કહ્યું હતું કે, બજેટ અગાઉ બજારનું ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને રોકાણકારો આર્થિક સર્વેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે એનએસઈ નિફટી ૧૧,૧૫૬.૬૦ની નવી ટોચને સ્પર્શ કર્યા બાદ બપોરે ૦.૭૩ ટકા વધીને ૧૧,૧૫૭ પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ બેન્ચમાર્ક સેન્સેકસ ૦.૯ ટકા વધી ૩૬,૩૯૫.૩૯ પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેકસે આજે ઈન્ટ્રા ડેમાં ૩૬,૩૯૫.૯૧ પોઈન્ટની નવી ટોચ રચી હતી.
આજે ત્રિમાસિક પરિણામ જાહેર થતા અગાઉ એચડીએફસીના શેર ૧.૫ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. મારુતિ સુઝુકીના શેર ૩.૦૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. દેશની અગ્રણી કાર કંપની મારુતિએ ગુરુવારે તેના ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા હતા. કંપનીએ ત્રીજા કવાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં ૩ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.