સપ્તાહના અંતિમ દિવસે મંદીથી રોકાણકારોમાં ફફડાટ: નિફટીમાં પણ ૬૦ પોઈન્ટનો ઘટાડો
સપ્તાહના અંતિમ ટ્રેડિગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાય હતી. શુક્રવાર જાણે બજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો હોય તેમ ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં કડાકા બોલી ગયા હતા જેથી રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આજે સવારે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટીમાં ભારે ઘટાડા જોવા મળ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસ ૨૦૦થી વધુ પોઈન્ટ તુટયો હતો તો નિફટીમાં પણ ૬૦ પોઈન્ટનું ગાબડુ પડયું હતું જોકે આજે મંદીના માહોલમાં પણ યશ બેંક, બીપીસીએલ, ટાટા મોટર્સ અને યુપીએલ સહિતની કેટલીક કંપનીઓના શેરનાં ભાવમાં ૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો તો ભારતી ઈન્ફ્રા તેલ, ઈન્ડુસીન બેંક, આઈસર મોટર અને ઓએનજીસીના ભાવમાં અઢી ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં ઉછાળો નોંધાતા અને અન્ય દેશોના શેરબજારમાં નરમાશ જોવા મળતા આજે ભારતીય શેરબજારમાં મંદી છવાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ૬ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો ૭૧.૩૬ પર કામકાજ કરી રહ્યો છે. બજેટ બાદ સતત ઉતાર-ચઢાવનો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે એક દિવસ બજાર ગ્રીન ઝોનમાં હોય તો બીજા દિવસે રેડ ઝોનમાં જોવા મળે છે. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૨૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૪૧,૧૨૩ પોઈન્ટ અને નિફટી ૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨,૧૨૪ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે જયારે રૂપિયો ડોલર સામે ૬ પૈસાના ઘટાડા સાથે ૭૧.૩૬ પર ટ્રેડ કરતો નજરે પડે છે.