શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સળંગ ત્રીજા સેશનમાં બજાર ઘટાડે ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૧૦ પોઇન્ટના ઘટાડે ૩૨,૮૩૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના ઘટાડે ૧૦,૧૫૧ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી. મેટલ સેક્ટર સહિત મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. સળંગ ત્રણ સેશનમાં સેન્સેક્સમાં ૪૮૦ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયો હતો.
આજે શરૂઆતે મેટલ સહિત, એફએમસીજી, બેન્કિંગ, ફાર્મા અને પાવર સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટી પણ ૦.૨૫ ટકાના ઘટાડે ૨૫,૨૨૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. તો બીજી બાજુ આઈટી સેક્ટરના શેરમાં સાધારણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.
આજે શરૂઆતે હિન્દાલ્કો, વેદાન્તા, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ઓએનજીસી, એનટીપીસી કંપનીના શેરમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ બીપીસીએલ, એચપીસીએલ, અંબુજા સિમેન્ટ, ટીસીએસ, એલએન્ડટી, ડો.રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં એકથી ૧.૮ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વેપાર ખાધ ત્રણ વર્ષના ઊંચા સ્તરે જોવાતાં તથા ફુગાવાના ડેટાના પગલે શેરબજાર ઉપર નકારાત્મક અસર જોવા મળી છે.