સેન્સેકસે ફરી 60,000 અને નિફટીએ 18000ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં હરખની હેલી: અમેરિકી ડોલર સામે રૂપિયો મજબૂત, બુલીયન બજારમાં મંદીનો માહોલ
ભારતીય શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી આવતી મંદી પર આજે બ્રેક લાગી જવા પામી છે. સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આજે બજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફટીમાં તોતીંગ ઉછાળા નોંધાયા હતા. સેન્સેક્સે આજે ફરી એક વખત 60,000ની અને નિફટીએ 18000ની સપાટી કુદાવી હતી.
આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેક્સ અને નિફટી ગ્રીન ઝોન સાથે ખુલ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર શરૂ કરતા આજે ફરી એક વખત સેન્સેકસે 60,000 અને નિફટીએ 18,000ની સપાટી ઓળંગી હતી. આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 60750 પોઈન્ટની સપાટીને હાસલ કરી હતી. જ્યારે નીચે સરકી 59997 સુધી પહોંચી ગયો હતો. નિફટીમાં પણ આજે તેજીનો તોખાર જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં નિફટીએ આજે 18123 પોઈન્ટની સપાટી હાસલ કરી હતી. જ્યારે નીચે 17905 સુધી સરકી ગયો હતો. આજની તેજીમાં બેંક નિફટી અને નિફટી મીડકેપ 100માં પણ જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા. ટેક મહિન્દ્રા, હિન્દાલકો, એચડીએફસી અને ઈન્ફોસીસ જેવી કંપનીના શેરના ભાવમાં 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે તેજીમાં પણ બજાજ ઓટો, એનટીપીસી, હિરો મોટો ક્રોપ અને આઈઓસી જેવી કંપનીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં તેજીના તોખાર વચ્ચે બુલીયન બજારમાં મંદી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે મજબૂત બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 808 પોઈન્ટના ઉછાળા સાથે 60,727 અને નિફટી 245 પોઈન્ટના ઉછાળા સાથે 18118 પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 8 પૈસાની મજબૂતી સાથે 74.43 પર ટ્રેડ કરી રહ્યો છે.