સેન્સેકસે ફરી ૩૫ હજારની સપાટી કુદાવી: નિફટીમાં પણ ૮૦ પોઈન્ટનો ઉછાળો
રોકાણકારો માટે લાભપાંચમ બાદ જાણે લાભાલાભ હોય તેવો માહોલ આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે શેરબજારમાં તેજીનો ટોન જોવા મળતા સેન્સેકસે ફરી એક વખત ૩૫ હજારની સપાટી કુદાવી છે. નિફટીમાં પણ ૮૦ પોઈન્ટનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો છે. મોટાભાગના ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. અમેરિકન ડોલર સામે આજે રૂપીયો વધુ ૨૭ પૈસા મજબુત થતા શેરબજારમાં તેજી જોવા મળી હતી.
દિવાળી પૂર્વે ભારતીય શેરબજારમાં મોટા કડાકા-ભડાકા જોવા મળ્યા હતા. દરમિયાન છેલ્લા કેટલાક સેશનથી શેરબજારમાં તેજીનો ટોન જોવા મળી રહ્યો છે. આજે સવારે મુંબઈ શેરબજારના બંને આગેવાન ઈન્ડેક્ષ રેડ ઝોનમાં ઓપન થયા હતા. જોકે નીચા મથાળે રોકાણકારોએ વિશ્વાસ સાથે ખરીદીનો દૌર શરુ કરતા બજાર ગ્રીન ઝોનમાં આવી ગયું હતું. સેન્સેકસે લાંબા સમય બાદ આજે ફરી એકવખત ૩૫ હજારની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. આગામી દિવસોમાં પણ શેરબજારમાં તેજી ચાલુ રહે તેવું જાણકારો માની રહ્યા છે.
અમેરિકન ડોલર સામે આજે રૂપીયો વધુ ૨૭ પૈસા મજબુત બન્યો હતો જેના કારણે શેરબજારમાં તેજીને વધુ જોર મળ્યું હતું. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ડોલર સામે રૂપીયો વધુ મજબુત બનતા આ ઘટાડો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૪૫ કલાકે સેન્સેકસ ૨૪૪ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫૦૫૭ અને નિફટી ૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૫૬૨ પોઈન્ટ પર કામ કરી રહ્યો છે.