ઉઘડતા સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ ઉછાળો: રૂપીયો બન્યો મજબૂત
ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે તમામ ટ્રેડીંગ સેશનમાં મંદીનો માહોલ રહ્યા બાદ આજે ઉઘડતા સપ્તાહે બજારમાં તેજી પરત ફરી છે. સેન્સેક્સે ફરી 60 હજારની સપાટી ઓળંગી હતી. અમેરિકી ડોલર સામે રૂપીયો મજબૂત બન્યો હતો. રોકાણકારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
ચીન સહિત વિશ્વભરના અનેક દેશોમાં કોરોનાએ ફરી અજગરી ભરડો લેતા ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મહામંદી ફરી વળી હતી. ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે તમામ ટ્રેડીંગ સેશનમાં મંદી રહેવા પામી હતી. સેન્સેક્સે 60 હજાર જ્યારે નિફ્ટીએ 18 હજારની સપાટી તોડી હતી. ભારતમાં કોરોનાની લહેરનો ખતરો ઓછા હોવાના તમામ રિપોર્ટમાં પ્રકાશમાં આવતા આજે ઉઘડતી બજારે ફરી શેરબજારે તેજીનો ટ્રેક હાંસલ કરી લીધો છે. ઉઘડતી બજારે સેન્સેક્સે 60 હજારની સપાટી ઓળંગતા રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેન્સેક્સ ઇન્ટ્રાડેમાં 60351.17ની સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટીએ 17958.20ની સપાટી હાંસલ કરી હતી. ડોલર સામે રૂપિયો પણ મજબૂત બન્યો હતો.
આજે બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ ઇન્ડેક્સમાં પણ જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા. આજે મધરસન, આરબીએલ બેન્ક, પીએનબી, અંબુજા સિમેન્ટ, એચડીએફસી બેન્ક, અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા મોટર્સ સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે લુપીન, ગ્લેનમાર્ક, મેટ્રોપોલીસ, ડો.રેડ્ડીઝ લેબ જેવી કંપનીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 454 પોઇન્ટના ઉછાળા સાથે 60299 અને નિફ્ટી 129 પોઇન્ટના ઉછાળા સાથે 17939 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસાની મજબૂતી સાથે 82.81 પર ટ્રેડ કરી રહ્યો છે.