નિફટીમાં પણ ૧૧૧ પોઈન્ટ તોતિંગ ઉછાળો: રોકાણકારોમાં હાશકારો: નીચા મથાળે લેવાલીનો દોર શરૂ થતાં શેરબજારમાં ફરી તેજી
લોકસભાની ચૂંટણીના પરિણામ સુધી શેરબજારમાં ઉતાર-ચઢાવનો માહોલ રહેશે: રોકાણકારોને સલામતી સાથે રોકાણ કરવા જાણકારોની સલાહ
તેજીની આગેવાની રિલાયન્સે લીધી: આરઆઇએલ ૨.૭૭ ટકા ઉચકાયો
અમેરીકા અને ચીન વચ્ચે ટ્રેડવોર દિન-પ્રતિદિન ગંભીર બની રહ્યો છે જેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતા ક્રુડ બેરલનાં ભાવ અમેરિકન ડોલર સામે સતત પટકાતો રૂપિયો સહિતનાં અનેક કારણોનાં લીધે ભારતીય શેરબજાર છેલ્લા ૯ દિવસથી સતત તુટી રહ્યું છે.
આજે સવારે પણ મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો રેડ ઝોનમાં ખુલ્યા હતા જોકે નીચા મથાળે લેવાલીનો દોર શરૂ થવા સહિતનાં કારણોને લીધે આજે બજારમાં સતત ૯ દિવસથી ચાલી આવતી મંદીને બ્રેક લાગી હતી અને સેન્સેકસ ૩૦૦થી વધુ પોઈન્ટ ઉંચકાયો હતો જયારે નિફટીમાં ૧૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
લોકસભાની ચુંટણીનાં ચોથા તબકકાનાં મતદાન પૂર્ણ થયા બાદ એવો સર્વે આવી રહ્યો છે કે, કેન્દ્રમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી નથી જેના કારણે છેલ્લા એક પખવાડિયાથી ભારતીય શેરબજારમાં સતત મંદી જોવા મળી રહી છે. પાંચમાં અને છઠ્ઠા તબકકાનાં મતદાન બાદ આ મંદી વધુ ઘેરી બની હતી. સતત ૯ દિવસ માર્કેટ તુટતા રોકાણકારોનાં અબજો ‚પિયાનું ધોવાણ થઈ ગયું હતું.
આજે સવારે સતત ૧૦માં દિવસે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યા હતા. માર્કેટમાં સતત મંદીનો માહોલ રહેતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે જે રીતે ટ્રેડવોર ચાલી રહ્યું છે અને આ ટ્રેડવોર દિન-પ્રતિદિન જે રીતે ગંભીર બની રહ્યું છે જેની અસર વિશ્વભરનાં શેરબજારોમાં પડી રહી છે. એકંદરે એશિયા સહિત વિશ્ર્વભરની બજારોમાં ઘણા સમયથી મંદીનો ટોન વર્તાઈ રહ્યો છે.
આજે સવારે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા બાદ રોકાણકારોએ નીચા મથાળે વિશ્ર્વાસ સાથે ખરીદીનો દોર શ‚ કરતાં મંદીને બ્રેક લાગી ગઈ હતી અને ૯ દિવસ બાદ આજે બપોરે સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. તમામ સેકટર ઈન્ડેક્ષમાં પણ તેજી જોવા મળી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરનાં ભાવમાં ૨.૮૪ ટકાનો, યશ બેંકનાં ભાવમાં ૧.૨૬ ટકાનો, આઈસીઆઈસીઆઈ બેંકનાં શેર ભાવમાં ૨.૪૩ ટકાનો જયારે સન ફાર્માનાં શેરનાં ભાવમાં સૌથી વધુ ૫.૧૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ૧૦માં દિવસે માર્કેટમાં ફરી તેજી પાછી વળતાં રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો જોકે જાણકારોનાં મતાનુસાર લોકસભાની ચુંટણીનાં પરીણામ સુધી માર્કેટમાં સતત ઉતાર-ચઢાવનો માહોલ યથાવત રહેશે. રોકાણકારોને સાવધાનીપૂર્વક રોકાણ કરવા પણ જાણકારોએ ચેતવણી આપી છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૩૭૦ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૭,૪૬૦ અને નિફટી ૧૧૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૨૫૮ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. નિફટી સ્મોલ કેપ ૧૦૦માં પણ ૪૨ પોઈન્ટનો અને નિફટી મીડ કેપ-૧૦૦માં પણ ૮૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો સોનાનાં ભાવમાં અડધા ટકાનો જયારે ક્રુડ ઓઈલનાં ભાવમાં પણ અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૯ પૈસાની મજબુતી સાથે ૭૦.૩૨ પર ટ્રેડ કરી રહ્યો છે. હજી એક સપ્તાહ સુધી બજારમાં ઉતાર-ચઢાવનો દોર યથાવત રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.