નિફટીમાં પણ ૧૦૦ પોઈન્ટનું ગાબડુ: ડોલર સામે રૂપિયામાં સામાન્ય મજબુતાઈ
વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં સતત વધી રહેલા સંક્રમણનાં કારણે વિશ્ર્વભરમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી રહી છે. આજે સપ્તાહનાં આરંભે જ મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષોમાં જોરદાર ગાબડા પડયા હતા. ડોલર સામે રૂપિયામાં સામાન્ય તેજી રહી હતી પરંતુ આ મજબુતાઈથી માર્કેટ મંદીની ગર્તામાંથી બહાર નિકળી શકયું ન હતું.
સપ્તાહનાં પ્રથમ દિવસે જ મંદીથી રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આજે સવારે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા હતા. ઈન્ટ્રા-ડેમાં એક તબકકે સેન્સેકસ ૩૪,૬૬૨ અને નિફટી ૧૦,૩૧૧ પોઈન્ટ સુધી નીચે પહોંચી જતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જોકે ત્યારબાદ નીચા મથાલે થોડી લેવાલીનો દોર શરૂ થતા બજારમાં રીકવરી જોવા મળી હતી. આજે મંદીમાં પણ આઈપીસી, બિટાનીયા, શિપલા, એચયુએલ જેવી કંપનીનાં શેરોનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો તો કોલ ઈન્ડિયા, એકસીસ બેંક, હિન્ડાલકો અને બીપીસીએલનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૩૨૦ પોઈન્ટનાં ઘટાડા સાથે ૩૪,૮૫૧ અને નિફટી ૧૦૨ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૦,૨૮૧ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ૬ પૈસાની તેજી જોવા મળી રહી છે. હાલ ડોલર ૭૫.૫૮ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.