નિફટીમાં પણ ૯૨ પોઈન્ટની તેજી: રોકાણકારોમાં હાશકારો:રૂપિયો ડોલર સામે ૧૬ પૈસા સુધર્યો
કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં શરૂ થયેલી મંદીની મોકાણને આજે બ્રેક લાગી છે. નીચા મથાળે રોકાણકારોએ નવેસરથી લેવાલીનો દૌર શરૂ કરતા સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા તો અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો ૧૬ પૈસા સુધર્યો હતો.
બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓનાં કારણે શેરબજારમાં છેલ્લા એક સપ્તાહથી મંદી જોવા મળી રહી છે. સેન્સેકસે ૩૯,૦૦૦ની તો નિફટીએ ૧૨,૦૦૦ પોઈન્ટની સપાટી તોડી હતી. રોકાણકારોનાં અબજો રૂપિયાનું છેલ્લા ૧૦ દિવસમાં ધોવાણ થઈ ગયું છે. આજે સવારે ઉઘડતી બજારે જ મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટી ઉછાળા સાથે ખુલ્યા હતા. નીચા મથાળે રોકાણકારોએ નવેસરથી લેવાલીનો દૌર શરૂ કરતા દિવસભર તેજી જળવાય રહી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ૧૬ પૈસાની મજબુતાઈનાં કારણે બજારમાં તેજીને વધુ વેગ મળ્યો હતો. લાંબા સમય બાદ શેરબજારમાં તેજી પરત ફરતાં રોકાણકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. સેન્સેકસ અને નિફટી સાથે સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેકસમાં પણ વધારા જોવા મળી રહ્યા છે. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૩૦૫ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૮,૮૬૩ અને નિફટી ૯૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૫૯૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. મીડકેપ ઈન્ડેકસમાં ૧૧૨ પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેકસમાં ૧૭ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયા ૧૬ પૈસાની મજબુતાઈ સાથે ૬૮.૪૧ પર ટ્રેડ કરી રહ્યો છે.