નિફટીએ પણ 18000 પોઈન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં જબરો ફફડાટ: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત
ભારતીય શેરબજારમાં દિવાળીના તહેવાર ટાંકણે જ મંદીની હોળી સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી એકધારી તેજીના ટ્રેક પર ચાલી રહેલું ભારતીય શેરબજારમાં આજે મહામંદીનું મોજુ ફરી વળ્યું હતું. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે બીજી તરફ નિફટીએ 18000ની સપાટી તોડતા રોકાણકારોમાં જબરો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે શાનદાર તેજી જોવા મળી હતી.
છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજારમાં એકધારી તેજી ચાલી આવતી હતી. દરમિયાન આજે માર્કેટમાં ફરી મંદીની મોકાણ સર્જાવા પામી છે. ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષોમાં આજે તોતીંગ કડાકા બોલી જવા પામ્યા હતા. સેન્સેક્સ એક તબક્કે ઈન્ટ્રા-ડેમાં 60085.48ની સપાટીએ પહોંચી જતાં એવું લાગી રહ્યું હતું કે, આજે સેન્સેક્સ 60,000ની સપાટી તોડી નાખશે પરંતુ થોડી કળ વળી હતી.
નિફટીમાં પણ આજે જબરુ ધોવાણ સર્જાયું હતું. નિફટી આજે ઈન્ટ્રા-ડેમાં 18000ની સપાટી તોડી 17875.30ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. ઉંચા મથાળે થોડી વેંચવાલીનું દબાણ વધવાના કારણે બજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બેંક નિફટીમાં પણ 1143 પોઈન્ટનું મસમોટુ ગાબડુ પડ્યું હતું. જ્યારે નિફટી મીડકેપ 100 પણ 600 વધુ પોઈન્ટ તૂટ્યો હતો. આજની મંદીમાં અદાણી પોર્ટ, આઈટીસી અને કોલ ઈન્ડિયા જેવી કંપનીના શેરના ભાવમાં 7 ટકાથી વધુ કડાકો બોલી ગયો હતો.
જ્યારે બીજી તરફ ઈન્ડુસીન્ડ, લાર્સન, અલ્ટ્રાટેક સીમેન્ટ અને એશિયન પેઈન્ટ અને આઈઆરસીટીસી જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બુલીયન બજારમાં પણ આજે મંદી જોવા મળી હતી. સોનુ અને ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે મજબૂત બન્યો હતો.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1043 પોઈન્ટના કડાકા સાથે 60099 અને નિફટી 323ના કડાકા સાથે 17887 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે ડોલર સામે રૂપિયો 20 પૈસાની મજબૂતી સાથે 74.82 પર ટ્રેડ કરી રહ્યો છે.