સેન્સેકસમાં ૨૪૯ અને નિફટીમાં ૮૦ પોઈન્ટનો કડાકો: ૧૩ પૈસાની મજબુતી સાથે રૂપિયો ૭૧ની નીચે
ભારતીય શેરબજારમાં આજે સવારથી મંદી જોવા મળી રહી છે. અમેરિકી ડોલર સામે રૂપિયામાં આજે તેજી જોવા મળી હતી. રૂપિયો ૭૧ની નીચે પહોંચી ગયો હતો. મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ પણ રેડ ઝોનમાં કામ કરતા જોવા મળ્યા હતા. રોકાણકારોએ સાવચેતીથી ખરીદી કરતા બજારમાં દિવસ દરમિયાન મંદી છવાયેલી રહી હતી.
આજે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષ રેડ ઝોનમાં ખુલ્યા હતા. એશિયન બજારોમાં જોવા મળેલી નરમાશનાં કારણે દિવસ દરમિયાન શેરબજારમાં મંદી છવાયેલી રહી હતી. એક તબકકે સેન્સેકસે ઈન્ટ્રા ડેમાં ૪૦,૨૧૩ પોઈન્ટનો લો બનાવ્યો હતો તો નિફટીમાં પણ ભારે કડાકા જોવા મળ્યા હતા. રોકાણકારોમાં આજે વિશ્ર્વાસનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડોલર સામે સતત ઝઝુમતો રૂપિયો આજે ૧૩ પૈસાની મજબુતાઈ સાથે ૭૧ની અંદર ઘુસી ગયો હતો જે બજાર માટે સારા સંકેતો ગણાવી શકાય પરંતુ એશિયન બજારોમાં નરમાશનાં પગલે આજે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં કામ કરતા હોવા છતાં એચયુએલ, આઈસર મોટર, શીપલા અને બજાજ ફાયનાન્સ સહિતની કંપનીઓનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો તો યશ બેંક, ગેઈલ, જી એન્ટરટેન્ટ અને જેએસડબલ્યુ સ્ટીલનાં ભાવમાં તોતીંગ કડાકો બોલી ગયો હતો. બેંક નિફટીમાં પણ આજે ૧૧૬ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો તો નિફટી મીડકેપ ૧૦૦ પણ ૨૦૦થી વધુ પોઈન્ટ તુટયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીનાં ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો તો ક્રુડ બેરલનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકી ડોલર સામે આજે રૂપિયો મજબુત બન્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૪૫ કલાકે સેન્સેકસ ૨૪૯ પોઈન્ટનાં કડાકા સાથે સેન્સેકસ ૪૦,૨૩૭ જયારે નિફટી ૮૦ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૧,૮૫૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. ડોલર સામે રૂપિયો ૧૩ પૈસાની મજબુતી સાથે ૭૦.૯૦ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન શેરબજારમાં સતત ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળશે તેવું જાણકારો માની રહ્યાં છે.