ઉઘડતા સપ્તાહે શેરબજારમાં તેજીનો ટોન: સેન્સેકસમાં 574 અને નિફટીમાં 172 પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયામાં સામાન્ય નરમાશ
દિવાળી પહેલા રોકાણકારોને યાદગાર ભેટ આપવા માટે જાણે શેરબજારમાં થનગનાટ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે સેન્સેકસે 62,000ની સપાટી હાસલ કરવા માટે જાણે દોટ લગાવી હોય તેવું લાગી રહ્યું હતું. ઉઘડતા સપ્તાહે સેન્સેકસ અને નિફટીએ નવી ટોચની સપાયી હાસલ કરી લેતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી.
અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં સામાન્ય નરમાશ જોવા મળી હતી. આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફટી ઉછાળા સાથે ખુલ્યા હતા. રોકાણકારોએ સતત ખરીદીનો દૌર ચાલુ રાખતા દિવસ દરમિયાન તેજી જળવાઈ રહેવા પામી હતી. ગત સપ્તાહે 61,000ની સપાટી ઓળંગનારા સેન્સેકસને જાણે 62,000ની સપાટી હાસલ કરવાની ઉતાવળ લાગી હોય તેવું જોવા મળ્યું હતું.
આજે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 61963.17નો નવો લાઈફ ટાઈમ હાય બનાવ્યો હતો. બીજી તરફ નિફટીમાં પણ ભારે તેજી જોવા મળી હતી. નિફટીએ આજે 18543. 15ની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. બેંક નિફટી અને નિફટી મીડકેપ 100માં પણ જોરદાર તેજી જોવા મળી હતી. શેરબજાર સાથે આ બુલીયન બજારમાં સોનુ અને ચાંદી ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા દેખાયા હતા.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 574 પોઈન્ટના ઉછાળા સાથે 61880, નિફટી 172 પોઈન્ટના ઉચાળા સાથે 18510 પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસાની નરમાશ સાથે 75.32 પર ટ્રેડ કરતો નજરે પડતો હતો.