- બેંક નિફટીમાં 1150 પોઈન્ટથી વધુ અને નિફટી મીડકેપ-100માં 1050 પોઈન્ટનો ઉછાળો: રોકાણકારોના ચહેરા પર રોનક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવવામાં 90 દિવસની મૂદત આપી છે. સાથોસાથ મોબાઈલ અને કોમ્પ્યુટર સહિતની ઈલેકટ્રીક વસ્તુઓ પર ટેરિફ લગાવવામાં આવશે નહીં. તેવી ઘોષણા કરતા ભારતીય શેર બજારમાં નવેસરથી તેજીનો સંચાર થયો છે. ત્રણ દિવસની રજા બાદ આજે ખૂલ્લે મુંબઈ શેર બજાર માટે મંગળવારનો દિવસ મંગલકારી નિવડયો હતો. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી સહિતના તમામ ઈન્ડેકસમાં તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસે 76500ની સપાટી અને નિફટીએ 23000 પોઈન્ટની સપાટી ઓળંગી હતી. રોકાણકારોના ચહેરા પર રોનક જોવા મળી હતી. આગામી દિવસોમાં પણ શેર બજારમાં તેજી આગળ ધપે તેવું સાનુકુળ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજે ઉઘડતી બજારરે શેર બજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેકસે ઈન્ટ્રાડેમાં 76 હજારની સપાટી ઓળંગી હતી. આજે 77 હજારની સપાટીને હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઈન્ટ્રાડેમાં સેન્સેકસે 76907.63ની સપાટીએ આંબ્યો હતો. જયારે નીચલી સપાટી 76435.07 રહેવા પામી હતી. જયારે નિફટીએ આજે દિવસ દરમિયાન 23300ની સપાટી ઓળંગવામાં સફળતા હાંસલ કરી હતી આજે નિફટીએ 23368.35 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ મેળવી હતી. નીચલી સપાટી 23207 પોઈન્ટ રહેવા પામી હતી.
બેંક નિફટીમાં 1240 પોઈન્ટનો અને નિફટી મીડકેપ ઈન્ડેકસમાં 1045 પોઈન્ટથક્ષ વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આજની તેજીમાં મધરસન, સોના બીએલ ડબલ્યું, માઈક્રોટેક દેવ, ભારત ફોર્મ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, બીએસઈ લીમીટેડ, વોડાફોન આઈડીયા, યસ બેંક, એચડીએફસી ફર્સ બેંક, નારાયણ હુડા, ઈન્ટરગ્લોબ, એવીઆઈ, ભારતી એરટોલ, બજાજ ફાઈનાન્સ, એમ્બી ઈન્ડસ્ટ્રીઝ, કોઠારી પ્રોડકટ, પોકાર્ના, પર્લ ગ્લોબલ સહિતની કંપનીઓનાં શેરોનાં ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જયારે બર્જર પેઈન્ટસ, મેડસ હેલ્થકેર, ટાટા કોમ્યુનીકેશન, વન 97 પે ટીએમ, સહિતની કંપનીના શેરોનાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો. શેર બજારની સાથે આજે બુલીયન બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યોહતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો મજબૂત બન્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્ર્વના અનેક દેશો પર આડેધડ ટેરિફ ઝીંકી દીધા છે. જેના કારણે વિશ્ર્વભરમાં ટેરિફ વોર જેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેના કારણે વિશ્ર્વભરનાં શેર બજારમાં મંદીની મોકાણ સર્જાય હતી. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં 90 દિવસની મહેતલ આપી છે. મોબાઈલ અને કોમ્પ્યુટર સહિતની ઈલેકટ્રોનીકસ આઈટમ પર ટેરિફ નહી લગાવવામાં આવે તેવી જાહેરાત કરી છે.જેના કારણે શેર બજારમાં તેજીનો ટોન જોવા મળી રહ્યો છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1591 પોઈન્ટના ઉછાળા સાથે 76749 પોઈન્ટ પર નિફટી 484 પોઈન્ટના ઉછાળા સાથે 23314 પોઈન્ટ પર, બેંક નિફટી 1187 પોઈન્ટના ઉછાળા સાથે પર 188 પોઈન્ટ પર અને નિફટી મીડકેપ-100 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.