અબતક, રાજકોટ
ભારતીય શેર બજારમાં છેલ્લા ઘણા સમયથી એકધારી અને વણથંભી તેજી ચાલી રહી છે. આજે ઉઘડતા સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એક વખત નવી લાઇફ ટાઇમ હાઇ બનાવતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપ જવા પામી છે. અમેરિકી ડોલર સામે આજે ભારતીય પિયામાં થોડીક નરમાશ જોવા મળી હતી. જ્યારે બૂલીયન બજારમો બે તરફી માહોલ રહ્યો હતો.
આજે સોમવારે ઉઘડતા સપ્તાહે મુંબઇ શેર બજારના બંને આગેવાનો ઇન્ડેક્સો ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. સેન્સેક્સે ૫૮,૫૧૫.૮૫ અને નિફ્ટીએ ૧૭,૪૨૯.૫૫ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી જો કે ત્યાર બાદ વેંચવાલીનું દબાણ વધવાના કારણે થોડીક નરમાશ રહેવા પામી હતી. બેંક નિફ્ટીમાં આજે કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી, મિડીકેપ-ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં કામ કરતો નજરે પડતો હતો. વિપ્રો, આઇસર મોટર, રિલાયન્સ અને સિપ્લા જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતાં. જ્યારે ઓએનજીસી બ્રિટાનીયા, ઇન્ડુસઇન્ડ બેન્ક અને આઇઓસી જેવી કંપનીના ભાવમાં ઘટાડા જોવા મળ્યા હતા.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૧૮૦ પોઇન્ટના ઉછાળા સાથે ૫૮,૩૧૦ અને નિફ્ટી ૫૭ પોઇન્ટના ઉછાળા સાથે ૧૭,૩૮૦ પોઇન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. બૂલીયન બજારમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં નજીવો ઉછાળો છે. અમેરિકી ડોલર સામે ભારતીય પિયો ૫ પૈસાના ઘટાડા સાથે ૭૩.૦૭ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જે રીતે સેન્સેક્સમાં વણથંભી તેજી જોવા મળી રહી છે. જે જોતા એવું લાગી રહ્યું છે કે ગત સપ્તાહે ૫૮ હજારની સપાટી પાર કરનાર સેન્સેક્સ આ સપ્તાહમાં ૫૯ હજારની સપાટી ઓળંગે તો પણ નવાઇ ન કહી શકાય.