નિફટી પણ ૧૫૨ પોઇન્ટ પર તુટયો: ડોલર સામે રૂપિયો પણ ૨૪ પૈસા નબળો
અમેરિકાએ કરેલા હવાઈ હુમલા બાદ ઈરાન અને અમેરિક વચ્ચે ઝળુંબી રહેલા યુદ્ધની દહેશત વચ્ચે આજે સપ્તાહના આરંભે જ ભારતીય શેરબજાર પડીને પાદર થઈ ગયું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ૨૪ પૈસા નબળો પડયો હતો.
આજે ઉઘડતી બજારે સેન્સેકસમાં ૪૭૫ પોઈન્ટ અને નિફટીમાં ૧૪૪ પોઇન્ટનો તોતીંગ કડાકો બોલી જતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ગત સપ્તાહે અમેરિકાની એર સ્ટ્રાઈકમાં ઈરાનના આર્મી ચીફનું મોત થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે. યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એકબીજાને ભરી પીવા બંને દેશો સામસામા ભુરતીયા કરી રહ્યા છે ત્યારે આજે સોમવારે ઉઘડતી બજારે ભારતીય શેરબજારમાં મંદીની મોકાણ સર્જાય હતી. સેન્સેકસે આજે ઈન્ટ્રાડેમાં ૪૧,૦૦૦ની સપાટી તોડી હતી. નિફટીમાં પણ તોતીંગ કડાકા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૪ પૈસા જેટલો તુટયો હતો અને ફરી એક વખત રૂપિયો ૭૨ને પાર થઈ ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૫૦૦ પોઈન્ટના કડાકા સાથે ૪૦,૯૭૪ અને નિફટી ૧૫૨ પોઈન્ટનાં કડાકા સાથે ૧૨,૦૭૪ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે જયારે રૂપિયો ૨૪ પૈસાના ઘટાડા સાથે ૭૨.૪ પર ટ્રેડ કરી રહ્યો છે.