ડોલર સામે રૂપિયો ૮ પૈસા મજબુત: નિફટીમાં પણ ૧૧૨ પોઈન્ટનો ઉછાળો
ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી જોવા મળી રહેલી મંદીનાં આડે બ્રેક લાગી છે અને તેજી પરત ફરી હોય તેમ આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ઉછાળા નોંધાયા હતા તો ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબુત બન્યો છે. આજે સોના-ચાંદીનાં ભાવમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી હતી. ગત શુક્રવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કોર્પોરેટ ટેકસમાં કરવામાં આવેલા ઘટાડા બાદ શેરબજારમાં તેજીનો તોખાર શરૂ થયો હતો. સેન્સેકસ ૩૫૦૦થી વધુ પોઈન્ટ ઉંચકાયો હતો.
સોમવારે પણ બજારમાં તેજી જોવા મળી હતી જોકે છેલ્લા બે દિવસથી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સેન્સેકસ ૫૦૦ પોઈન્ટથી વધુ તુટયો હતો.
આજે સવારે શેરબજારમાં ફરી તેજી પરત ફરી હતી. આજે ઉઘડતી બજારે સેન્સેકસે ૩૯૦૦૦ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. નિફટીએ પણ આજે ૧૧,૫૦૦ પોઈન્ટની સપાટી ઓળંગી હતી. મીડકેપ અને સ્મોલકેપમાં ઈન્ડેકસમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. આઈઓસી, આઈસીઆઈસીઆઈ બેંક, યુપીએલ, ટાટા સ્ટીલ સહિતની કંપનીનાં ભાવમાં ૬ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો તો તેજીમાં પણ યશ બેંક, ઈન્ફોસિસ, એફસીએલ ટેકસ અને ટીસીએસનાં ભાવમાં ૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે ૮ પૈસાની મજબુતાઈ જોવા મળી હતી. હાલ રૂપિયાએ ૭૧નીસપાટી તોડી છે ૭૦.૯૫ પર ટ્રેડ કરી રહ્યો છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૩૪૪ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૮,૯૩૮ અને નિફટી ૧૧૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૫૫૨ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે.