ઇન્ટ્રા-ડેમાં નિફ્ટીએ પણ ફરી 17,000ની સપાટી તોડી: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા તૂટ્યો  

ભારતીય શેરબજારમાં મંગળવારે એક દિવસ પૂરતી તેજી દેખાયા બાદ આજે ફરી બજારમાં મંદીની મોકાણ સર્જાઇ હતી. સેન્સેક્સે 57,000 અને નિફ્ટીએ 17,000 પોઇન્ટની સપાટી તોડી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ આજે તૂટ્યો હતો.

ગઇકાલે મંગળવાર ભારતીય શેરબજાર માટે મંગલકારી સાબિત થયો હતો. જો કે આજે ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકા બોલી ગયા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસના અભાવના કારણે બજારમાં દિવસ દરમિયાન મંદી જોવા મળી હતી. ઇન્ટ્રા-ડેમાં એક તબક્કે 56,594.04ના લેવલે જ્યારે નિફ્ટી 17,000ની સપાટી તોડી 16,958.45ના લેવલે પહોંચી ગઇ હતી.

જો કે ત્યારબાદ થોડી રિક્વરી આવતા નિફ્ટીએ 17,000ની સપાટી પુન: હાંસલ કરી લીધી હતી. આજે મંદીના માહોલ વચ્ચે પણ હિરો મોટર્સ, મોટો ક્રોપ, એબી કેપિટલ, બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી, ડો.લાલ પેથ લેબ જેવી કં5નીના શેરોના ભાવમાં 3.60 ટકા પણ વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બાલાજી ફાયનાન્સ, અતુલ સહિતની કંપનીના શેરોના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બૂલીયન બજારમાં પણ આજે મંદીનો માહોલ જોવા મળ્યો હતો.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 519 પોઇન્ટ ઘટાડા સાથે 56,837 અને નિફ્ટી 161 પોઇન્ટના ઘટાડા સાથે 17043 પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસાની નબળાઇ સાથે 76.65 પર ટ્રેડ કરી રહ્યો છે. માર્કેટનો રૂખ એક તરફી ન હોવાના કારણે રોકાણકારોમાં થોડી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.