સંક્રમણનો ફેલાવો બજારમાં કડાકા પાછળ કારણભૂત: સેન્સેક્સ 48500ની સપાટીએ પહોંચી ગયો
ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 3 વાગ્યે સેન્સેક્સ 614 અંક ઘટી 48566 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 175 ઘટી 14374 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એચસીએલ ટેક, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.89 ટકા ઘટી 941.55 પર બંધ થયો હતો. કોટક મહિન્દ્રા 1.66 ટકા ઘટીને 1752.75 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઓએનજીસી, ડો.રેડ્ડી લેબ્સ, લાર્સન, એશિયન પેઈન્ટ્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.
શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી જોવા મળેલી મંદી પાછળ કોરોનાના સતત વધી રહેલા કેસ પણ જવાબદાર છે. કોરોનાના કેસના કારણે વેપાર ધંધા બંધ રહે તેવી દહેશત છે. આવી સ્થિતિમાં શેરબજારમાં કડાકા બોલી રહ્યા છે. આજે પણ સેન્સેક્સ ખૂબ વોલેટાઇલ જોવા મળ્યો હતો ટોચના શેરોમાં ભારે ધોવાણ થયું હતું.
શેરબજાર ગઈકાલે દિવસના ઉતાર-ચઢાવ પછી ઘટાડા સાથે બંધ થયુ હતું. સેન્સેક્સ 871 અંક ઘટીને 49180.31 પર અને એનએસસી નિફ્ટી પણ 265 અંકના ઘટાડા સાથે 14549.40 પર બંધ થયો હતો. પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1951.90 કરોડ રૂપિયાના શેરની વેચવાલી કરી, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 612.80 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.