આંતરરાષ્ટ્રીય બજારોમાં મંદીની અસર સ્થાનિક બજાર પર પડી
ભારતીય શેરબજાર આજે અપેક્ષા અનુસાર ગેપમાં ખુલ્યું છે. સવારે ૯:૩૦ કલાકે બીએસઈ સેન્સેકસ ૩૩૦ પોઈન્ટ ઘટીને ટ્રેડ થયો હતો. જો કે, ત્યારબાદ સેન્સેકસ ૪૫૦ પોઈન્ટ સુધી ગગડી જતા રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા.
ગઈકાલે દશેરાની રજાના કારણે સ્થાનિક બજાર બંધ હતું. અલબત મોટાભાગના ઈમર્જીંગ બજાર નેગેટીવ સંકેતો આપી રહ્યાં હતા. લગભગ ત્રણ ટકાના ઘટાડા સાથે ચીનના બેંચ માર્ચમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો જેની આજે ભારતીય શેરબજાર પર અસર જોવા મળી રહી છે. આ લખાય છે ત્યારે શેરબજાર ૨૭૦ પોઈન્ટના કડાકા સાથે ૦.૭૭ ટકા માઈન્સમાં ટ્રેડ થઈ રહ્યું છે. નિફટી પણ ૧૦૦ અંક ડાઉન છે.
સ્મોલ કેપ અને મિડ કેપમાં વેચવાલીનો માહોલ છે. જેમાં પણ અનુક્રમે ૦.૯૩ અને ૧.૨૭ ટકા માઈન્સમાં ટ્રેડ થઈ રહ્યું છે. ઈન્ડિયા બુલ્સ, યશ બેન્ક, બજાજ ફાયનાન્સ, અદાણી પોર્ટસ, આઈસર મોટર્સ, રિલાયન્સ, બજાજ ફીન., યુપીસીએલ, હિરો મોટો કોપ અને ટાટા મોટર્સ સહિતના શેરમાં ૧.૫૭ ટકાથી ૧૩.૧૯ ટકા સુધીનો કડાકો બોલી ગયો છે.
બીજી તરફ આઈટીસી, એજયુએલ, ગેલ અને એશિયન પેઈન્ટસ સહિતના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. આજે બજાર ખુલતા સેન્સેકસ ૩૪૨૯૦ની સપાટી તોડી ચૂકયો હતો. ગઈકાલે ૩૪૭૭૯ પર બંધ રહ્યાં બાદ અત્યાર સુધીમાં સેન્સેકસ ૩૪૫૬૩ સુધી ઉંચકાયો છે. જો કે સવારથી જ ચડતી-પડતી જોવા મળી રહી છે.