શેરબજારે નવું સિમાચિહ્ન હાંસલ કરતા રોકાણકારોમાં હરખની હેલી: અમેરિકી ડોલર સામે રૂપિયો પણ 10 પૈસા મજબૂત
અબતક, રાજકોટ
ભારતીય શેરબજારે આજે નવું ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કરી લીધુ છે. સેન્સેકસે 61,000ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી છે. નિફટીએ પણ આજે નવી ઐતિહાસિક સપાટી હાસલ કરી હતી.
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 10 પૈસા મજબૂત બન્યો છે. બેંક નિફટી અને નિફટી મિડકેપ 100માં પણ તોફાની તેજી જોવા મળી હતી. બુલીયન બજારમાં આજે મિશ્ર માહોલ જોવા મળ્યો હતો.
આજે ઉઘડતી બજારે સેન્સેકસે 61,000ની સપાટી ઓળંગી લીધી હતી. આજે સેન્સેકસે 61,216.26ની નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જ્યારે નિફટી પણ આજે તેજીના ટ્રેક પર સવાર થયું હતું. નિફટીએ આજે 18,323.20ની નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી લીધી હતી. ભારતીય અર્થ વ્યવસ્થામાં સતત સુધારો થઈ રહ્યો હોવાના કારણે શેરબજાર સતત તેજીના ટ્રેક પર દોડી રહ્યું છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસે 61,000ની સપાટી હાસલ કરી હતી. બીએસઈ અને એનએસઈ નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરવામાં સફળ રહેતા રોકાણકારોએ દિવસભર ભારે વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખ્યો હતો જેના કારણે દિવસભર તેજી જળવાઈ રહેવા પામી હતી.
આજે તેજીમાં વિપ્રો, અદાણી પોર્ટ, ગ્રાસીમ, ટેક મહિન્દ્રા સહિતના શેરોના ભાવમાં 7 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે કોલ ઈન્ડિયા, આઈસર મોટર્સ, ઈન્ડુસીન્ડ બેંક, ટાટા મોટર્સ સહિતની કંપનીના ભાવમાં 3.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. બુલીયન બજારમાં મિશ્ર માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં નરમાશ જોવા મળી હતી
જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો રહ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે સતત બીજે દિવસે મજબૂત બન્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 329 પોઈન્ટની સપાટી સાથે 61,066 અને નિફટી 117 પોઈન્ટની સપાટી સાથે 18,278 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યું છે. બેંક નિફટીમાં પણ 241 અને નિફટી મીડકેપ 100માં પણ 278 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે 75.26 પર ટ્રેડ કરી રહ્યો છે.