આરબીઆઈએ રેપોરેટ અને રિવર્સ રેપોરેટનો દર યથાવત રાખતા શેરબજારમાં તેજીને વધુ બળ મળ્યું: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 75ની સપાટી વટાવી ગર્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આજે રેપોરેટ અને રિવર્સ રેપોરેટના દરમાં કોઈપણ જાતનો ફેરફાર ન કરતા ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી તેજીને વધુ બળ મળ્યું હતું. સેન્સેક્સે ફરી એકવાર 60,000ની સપાટી કુદાવી હતી જ્યારે નિફટી પણ 18000ની સપાટી હાસલ કરવા મક્કમ ગતિએ આગેકુચ કરી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ સતત ચાલુ હોય આગામી દિવસોમાં મોંઘવારી વધુ માજા મુકે તેવી દહેશત પણ ઉભી થવા પામી છે.
સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આજે શેરબજારમાં તેજીનો તોખાર યથાવત રહેવા પામ્યો હતો. આરબીઆઈના ગવર્નર શશીકાંત દાસે આજે રેપોરેટ અને રિવર્સ રેપોરેટના દર યથાવત રાખતા બજારમાં તેજીને વધુ બળ પ્રાપ્ત થયું હતું. સેન્સેકસે ઈન્ટ્રા-ડેમાં 60,221.30ની સપાટી હાસલ કરી હતી. જે રીતે બજાર એકધારૂ ચાલી રહ્યું હતું જે જોતા એવા લાગી રહ્યું હતું કે, સેન્સેક્સ આજે નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી લેશે. જો કે ત્યારબાદ થોડી વેચવાલીનું દબાણ વધતા બજારમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. નિફટીએ પણ આજે ઈન્ટ્રા-ડેમાં 17941ની સપાટી હાસલ કરી હતી. એક તબક્કે એવું લાગતું હતું કે, આજે નિફટી 18000નો આક વટાવી એક નવો જ ઈતિહાસ રચી દેશે પરંતુ આવું થઈ શક્યું નહોતું.
યથાવત રાખવામાં આવેલા રેપોરેટ અને રિવર્સ રેપોરેટના કારણે બજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. જો કે, અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો 25 પૈસા તૂટતા ડોલરનો ભાવ 75 રૂપિયાને પાર થઈ ગયો હતો. આજની તેજીને રિલાયન્સે ખાસ બળ પૂરું પાડ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડના શેરના ભાવમાં 3.75 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત વિપ્રો, યુપીએલ અને ટાટા મોટર્સ જેવી અનેક કંપનીના ભાવમાં જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા.
જ્યારે શાનદાર તેજીમાં પણ એનટીપીસી, શ્રી સીમેન્ટ, કોલ ઈન્ડિયા અને એચયુએલના ભાવમાં ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં એકધારી તેજીના કારણે આજે બુલીયન બજારમાં બે તરફી માહોલ જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો રહ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 440 પોઈન્ટના ઉછાળા સાથે 60118 અને નિફટી 125 પોઈન્ટના ઉછાળા સાથે 17915 પોઈન્ટ પર કામકાજ કરી રહી છે. રેપોરેટ અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા હોવા છતાં બેંક નિફટી રેડ ઝોનમાં કામકાજ કરતી હતી. જ્યારે નિફટી મિડકેપ 100 ઈન્ડેક્ષ ગ્રીન ઝોનમાં હતો. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં જબરૂ ધોવાણ થઈ ગયું હતું. રૂપિયો 25 પૈસાના ઘટાડા સાથે 75ને પાર થઈ ગયો હતો. જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને રૂપિયો ડોલર સામે સતત તૂટી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં પણ પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોમાં જનતાને કોઈપણ પ્રકારની રાહત મળે તેવા અણસાર દેખાતા નથી.