અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોરની શરૂઆત કરી દીધી છે. ટ્રમ્પે 60 અબજ ડોલરની ચીની ઇમ્પોર્ટ પર ડ્યુટી લગાવી છે. ચીન પર ઇમ્પોર્ટ ડ્યુટી લાગવાથી વિશ્વના બજારોના પગલે શુક્રવારે એશિયન બજારો ગબડ્યા છે. સવારે ભારતીય શેરબજારો પણ ઘટાડા સાથે ખુલ્યા અને તમામ સેક્ટર્સના શેરોમાં વેચવાલીના પગલે સેન્સેક્સ 522 પોઇન્ટ ગબડીને નીચે 32,484ને અડ્યો છે, જે 5 માસનું નીચું સ્તર છે. નિફ્ટીએ પણ 10,000 સપાટી તોડી છે અને 163 પોઇન્ટ ગબડીને 9952ને અડ્યો છે.
માર્કેટમાં જોરદાર વેચવાલીથી આવેલા મોટા ઘટાડાના કારણે શરૂઆતના ટ્રેડિંગમાં રોકાણકારોની 2 લાખ કરોડથી વધારે મૂ઼ડી ધોવાઇ છે. ગુરુવારે બીએસઇમાં કુલ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1,40,87,911.54 કરોડ હતું તે શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં 2,31,407.54 કરોડ રૂપિયા ઘટીને 1,38,56,504 કરોડ રૂપિયા થઇ ગયું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 60 અબજ ડોલરની ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી છે. આગામી દિવસોમાં ટ્રમ્પ પ્રશાસન અન્ય પણ પગલાં લઇ શકે છે. અમેરિકા તરફથી 15 દિવસમાં ઉત્પાદનોની યાદી બહાર પડાશે અને તેમાં 1300 ચીની ઉત્પાદનોનો સમાવેશ હોઇ શકે છે.
માર્કેટમાં વેચવાલીથી તમામ સેકટર્સ ગબડ્યા છે. સૌથી વધુ ઘટાડો મેટલમાં છે. એનએસઇમાં મેટલ ઇન્ડેક્સ 3.61 ટકા તૂટ્યો છે. આ સાથે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.42 ટકા અને રીયલ્ટી ઇન્ડેક્સ 3.12 ટકા ગબડ્યા છે. ઉપરાંત ફાર્મા ઇન્ડેક્સ 2 ટકા અને બેન્ક નિફ્ટી 2 ટકા ગબડ્યા છે. ઇન્ફ્રા ઇન્ડેક્સ 1.35 ટકા, ઓટો ઇન્ડેક્સ 1.28 ટકા, એનર્જી 1 ટકા અને એફએમસીજી 0.41 ટકા ઘટ્યા છે.
ગુરુવારના કારોબારમાં અમેરિકન માર્કેટ ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ડાઉ જોન્સ 724 પોઇન્ટ તૂટીને 23,958 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 179 પોઇન્ટ ઘટીને 7,167 પર બંધ હતો. જ્યારે એસએન્ડપી 500 ઇન્ડેક્સ 68 પોઇન્ટ ઘટ્યો હતો. તેના પગલે શુક્રવારે એશિયન માર્કેટમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો. જાપાનનો નિક્કી 764 પોઇન્ટ ગબડીને 20,828 પર અને હોંગ કોંગ માર્કેટનો ઇન્ડેક્સ હેંગ સેંગ 954 પોઇન્ટ તૂટ્યો છે. કોરીયન માર્કેટમાં 2.24 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે તાઇવાન ઇન્ડેક્સ 192 અંક ઘટ્યો છે. ચીનનો શાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 99 પોઇન્ટ ઘટયો છે. જ્યારે સ્ટ્રેટસ ટાઇમ્ 1.96 ટકા ગબડ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com