ઓપેક દેશો ક્રૂડ પ્રોડકશન માટે સહમત થયા બાદ અને અમેરિકા-ચીનની વચ્ચે તણાવના સંકેતોના કારણે ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા બાદ ફરીથી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. સેશનનાં અંતમાં સેન્સેકસ 572 પોઈન્ટના ઘટાડાની સાથે 35,312ના સ્તરે બંધ થયો હતો. જયારે નિફ્ટી 181.75 પોઈન્ટ ઘટીને 10,601ના સ્તર પર આવી ગયો હતો.
નિફ્ટીના ટોપ લુઝર્સની વાત કરવામાં આવે તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં સૌથી વધુ 5.54 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે મારૂકિ સુઝુકી 4.56 ટકા, ટેક મહિન્દ્રા 4.39 ટકા, બજાજ ફિનસર્વ 4 ટકા, ટાટા મોટર્સ 3.87 ટકા તૂટીને બંધ થયો હતો.
ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો ઈન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ વેચવાલી ઓટો અને આઈટી સ્ટોક્સમાં જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેકસ 2.24 ટકા, નિફ્ટી આઈટી 2.13 ટકા, નિફ્ટી એફએમસીજી 1.49 ટકા, નિફ્ટી મેટલ 1.10 ટકા, નિફ્ટી ફાર્મા 1.43 ટકા ઘટીને બંધ થયા હતા. તમામ બેન્કિંગ ઈન્ડેક્સ પણ લાલ નિશાનની સાથે બંધ થયા હતા.