નિફટીમાં પણ ૧૩૭ પોઈન્ટનો તોતીંગ કડાકો: ઉંચા મથાળે વેચવાલીના કારણે સપ્તાહના આરંભે જ બજારમાં મંદીની સુનામી
લોકસભાની ચુંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રમાં ફરી મોદીના વડપણ હેઠળ એનડીએની સરકાર રચાતી હોવાના ઓપનીયન પોલના તારણોના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી વણથંભી તેજી જોવા મળી રહી હતી જોકે આજે ઉંચા મથાળે નફો બાંધવાના આશ્રય સાથે રોકાણકારોએ વેચવાલીનો દોર શરૂ કરતા સપ્તાહના આરંભે જ સેન્સેકસમાં મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેકસમાં ૪૭૨ થી વધુ પોઈન્ટનો કડાકો બોલી જતા સેન્સેકસે ૩૮ હજારની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારના બંને આગેવાન ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખુલ્યા હતા. ઉંચા મથાળે વેચવાલીનો દોર ચાલુ રહેતા સેન્સેકસમાં દિવસભર મંદી જોવા મળી હતી. આજે સેન્સેકસે ૩૮ હજારની મનોવૈજ્ઞાનિક સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો બીજી તરફ નિફટીમાં પણ ૧૨૮ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મીડ કેપ ઈન્ડેકસ જયારે બેંક નિફટીમાં પણ જબરુ ધોવાણ રહ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી તેજીને આજે અચાનક બ્રેક લાગી જવા પામી હતી જોકે જાણકારોના મતે શેરબજારમાં જોરદાર તેજી પૂર્વેનો આ એક સામાન્ય બ્રેક છે. લોકસભાની ચુંટણીના ધાર્યા પરીણામ આવશે તો શેરબજારમાં કલ્પનાતીત તેજી જોવા મળશે.આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૪ કલાકે સેન્સેકસ ૪૫૦ પોઈન્ટના કડાકા સાથે ૩૭,૭૧૪ અને નિફટી ૧૩૦ પોઈન્ટના કડાકા સાથે ૧૧,૩૨૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે.