નિફટીમાં પણ ૧૨૧ પોઈન્ટ કડાકો : ડોલર સામે રૂપિયામાં પણ ૩ પૈસાનો ઘટાડો : રોકાણકારોનાં અબજો રૂપિયાનું ધોવાણ
વૈશ્ર્વિક બજારોમાં ચાલી રહેલી સતત મંદીનાં કારણે તથા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત ઠગારી નિવડતા ભારતીય શેરબજારમાં સપ્તાહના આરંભથી જ શરૂ થયેલી મંદીની મોકાણ આજે સતત ચોથા દિવસે પણ યથાવત રહેવા પામી છે. આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેકસોમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી હતી. સેન્સેકસે ઈન્ટ્રા ડેમાં ૩૯,૫૦૦ની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જાણકારોના મતાનુસાર આગામી દિવસોમાં પણ મંદીનો દૌર યથાવત રહે તેવું લાગી રહ્યું છે.
ચાલુ સપ્તાહનાં આરંભથી જ ભારતીય શેરબજારમાં મંદીનો દૌર શરૂ થયો છે. છેલ્લા ૩ દિવસથી સતત તુટી રહેલું ભારતીય શેરબજાર આજે ચોથા દિવસે પણ ઉઘડતી બજારે ઉંધા માથે પટકાયું હતું. ઈન્ટ્રા ડેમાં સેન્સેકસે ૩૯,૫૦૦ની સપાટી તોડી હતી અને ૩૯,૪૬૩નો લો બનાવ્યો હતો તો નિફટીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. નિફટીમાં આજે ૧૧૭ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ઈન્ટ્રા ડેમાં નિફટીએ ૧૧,૫૪૯ પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. આજે મંદીમાં એક માત્ર યશ બેન્ક ગ્રીન ઝોનમાં કામકાજ કરતી જોવા મળી હતી જયારે જેએસડબલ્યુ સ્ટીલ, ગેઈલ, એચસીએલ ટેક અને ઈન્ડુશીંડ બેંકનાં શેરોનાં ભાવમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. છેલ્લા એક સપ્તાહથી વૈશ્ર્વિક બજારો તુટી રહ્યા છે. ચીનમાં કોરોનાના ભરડાના કારણે વિશ્ર્વભરનાં વેપાર ઉધોગોને ભારે ફટકો પહોંચ્યો છે જેના કારણે વૈશ્ર્વિક લેવલે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપાર ઉધોગ માટે કોઈ મોટા કરાર કરવામાં ન આવતા ભારત માટે આ મુલાકાત ઠગારી સાબિત થઈ હતી જે પણ બજાર માટે મંદીનું એક કારણ મનાઈ રહ્યું છે.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૪૦૫ પોઈન્ટનાં ઘટાડા સાથે ૩૯,૪૮૩ અને નિફટી ૧૨૧ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૧,૫૫૬ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે તો રૂ પિયો ૩ પૈસાના ઘટાડા સાથે ૭૧.૬૬ પર કામકાજ કરી રહ્યો છે.