સેન્સેક્સ 67771.05 અને નિફટી 20167.65ના સર્વોચ્ચ શિખરે : વોલેટાલિટીના લીધે માર્કેટ રેડ ઝોનમાં સરકી
શેરબજારે વધુ એક વખત નવો ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના જૂના ઓલટાઈમ હાઈ રેકોર્ડને બ્રેક કરતાં નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. સેન્સેક્સે ઓલટાઈમ હાઈ 67771.05ના સ્તરને સ્પર્શી ગયો જ્યારે નિફટી 20167.65ના સર્વોચ્ચ શિખર પર પહોંચી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સમાં ગુરુવારે પણ હરિયાળી છવાઈ. તે 67627ના સ્તરે ખૂલ્યું હતું. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 20127ના સ્તરથી દિવસના વેપારની શરૂઆત કરી હતી. તેની સાથે જ વેપાર આગળ વધતાં જ સેન્સેક્સ ઓલટાઈમ હાઈ 67771.05ના સ્તરને સ્પર્શી ગયું હતું. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે 67727ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું હતું અને તે પછીથી 67771.05ના ઓલટાઈમ હાઈના લેવલે પહોંચી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીએ 85 પોઇન્ટના ઉછાળા સાથે 20155ના લેવલને સ્પર્શ કર્યું હતું. જે પછીથી 20167.65ના સર્વોચ્ચ શિખર પર જઈ આવ્યું હતું. જો કે બાદમાં માર્કેટમાં વોલેટાલીટી રહેતા માર્કેટ રેડ ઝોનમાં પણ સરકી ગઈ હતી.
બીજી તરફ અમેરિકન માર્કેટમાં ગઈ કાલે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બુધવારે સામાન્ય કારોબારમાં ઔદ્યોગિક શેરોમાં મહત્તમ દબાણ જોવા મળ્યું હતું. ફુગાવાના ડેટાના પ્રકાશન પછી, એસ એન્ડ પી&P 500 ઇન્ડેક્સ અને નસદાક 50-ડે મૂવિંગ એવરેજની નજીક બંધ થયા છે. એક રિપોર્ટ અનુસાર, 97% લોકો માને છે કે ફેડ સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર વ્યાજ દરમાં વધારો કરશે. એક દિવસ પહેલા, 92% લોકો અપેક્ષા રાખતા હતા કે દરો વધશે નહીં, પરંતુ મોંઘવારી દરના આંકડા જાહેર થયા પછી, આ અંદાજમાં વધારો થયો છે. યુએસ ફેડની બેઠક આ મહિનાથી 19-20 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
એશિયન બજારોની વાત કરીએ તો અમેરિકામાં મોંઘવારી વધવા છતાં આજે અહીં ઉછાળો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 0.5% અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.43%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. હેંગ સાંગ ઈન્ડેક્સ અને શાંઘાઈ કમ્પોઝીટ પણ તેજીના સંકેતો દર્શાવે છે.