સેન્સેકસમાં ૩૮૭ અને નિફટીમાં ૯૯ પોઈન્ટનો તોતિંગ ઉછાળો: રોકાણકારોને બલ્લે-બલ્લે

લોકસભાની ચૂંટણીમાં ફરી કેન્દ્રમાં એનડીએની સરકાર રચાતી હોવાના અલગ અલગ ઓપીનીયન પોલના કારણે શેરબજારમાં ત્તેજીનું તોફાન સર્જાયું છે. આજે સપ્તાહના પ્રારંભે સેન્સેકસે લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી હતી. સેન્સેકસે ૩૯૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવતા રોકાણકારોને બખ્ખા થઈ ગયા હતા. નિફટીમાં પણ
આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તમામ સેકટરલ ઈન્ડેક્ષ આજે દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા જોવા મળ્યા હતા.

આજે સપ્તાહના આરંભે જ ભારતીય શેરબજારના બન્ને મુખ્ય આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ગ્રીનઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દોર ચાલુ રાખતા ત્તેજી વધુ મજબૂત બની હતી. આજે સેન્સેકસે લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી લીધી હતી અને પ્રથમવાર ૩૯૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગી હતી તો નિફટીએ પણ સર્વોચ્ચ સપાટી હાસલ કરતા ૧૧૭૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. મોટાભાગના ઈન્ડેક્ષો આજે દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં કામકાજ કરતા જોવા મળ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૩૦ કલાકે સેન્સેકસ ૩૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૬૦ અને નિફટી ૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૭૨૨ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે.

આગામી દિવસોમાં પણ શેરબજારમાં ત્તેજી બરકરાર રહે તેવું જાણકારો માની રહ્યાં છે. જો ઓપીનીયન પોલના તારણો સાચા ઠરશે અને કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે તો સેન્સેકસ આગામી દિવસોમાં ૪૨૦૦૦ પોઈન્ટની સપાટી હાંસલ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.