સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લા અને ૪ મહાનગરોનાં પ્રમુખની નિમણુક માટે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયા અને પ્રદેશ ભાજપ મંત્રી હર્ષદગીરી ગોસ્વામીએ કાર્યકરોને સાંભળ્યા: તમામ જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખપદ માટે એકથી વધુ નામો
સામાન્ય રીતે ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચુંટણી, વિધાનસભાની ચુંટણી કે લોકસભાની ચુંટણીમાં ઉમેદવારો નકકી કરવા કે ટીકીટ ફાળવવા માટે શહેરમાં પ્રદેશ નિરીક્ષકોને મોકલીને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ શહેર અને જિલ્લામાં પ્રમુખોની વરણી કરવા માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફીયા અને પ્રદેશ ભાજપ મંત્રી હર્ષદગીરી ગોસ્વામીએ આજે સવારથી કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્રનાં અલગ-અલગ જિલ્લાઓ અને મહાનગરો માટે પ્રમુખની વરણી કરવા માટે કાર્યકરોને સાંભળ્યા હતા. મોટાભાગનાં જિલ્લા અને મહાનગરો માટે એકથી વધુ નામો નિરીક્ષકો સમક્ષ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવત: ચાલુ સપ્તાહે પ્રમુખનાં નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે.
સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લા અને ૪ મહાનગરોનાં પ્રમુખની વરણી પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા પ્રથમ વખત કાર્યકરોને સાંભળીને હોદેદારોની નિમણુક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત આજે પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે આવેલા કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા અને પ્રદેશ ભાજપનાં મહામંત્રી હર્ષદગીરી ગોસ્વામીએ સવારથી કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથધરી હતી. સૌપ્રથમ રાજકોટ શહેર માટે તમામ ૧૮ વોર્ડનાં કાર્યકરો, પૂર્વ હોદેદારો, વર્તમાન હોદેદારો, નગરસેવકો, ધારાસભ્યો, સંસદ સભ્ય સહિતનાં આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશભાઈ મિરાણીને રીપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે જોકે આ ઉપરાંત દેવાંગ માંકડ, પુષ્કર પટેલ અને કશ્યપ શુકલનાં નામો પણ ચર્ચામાં છે. સવારે રાજકોટ જિલ્લા માટે નિરીક્ષકોએ કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. રાજકોટ ઉપરાંત જુનાગઢ, ભાવનગર અને જામનગર મહાનગર અને જિલ્લા ઉપરાંત સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતનાં ૧૧ જિલ્લાઓનાં પ્રમુખોની વરણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા માટે પણ વર્તમાન પ્રમુખ ડી.કે.સખીયા ઉપરાંત મહામંત્રી ડો.ભરત બોઘરા, અરવિંદ રૈયાણી, નાગદાનભાઈ ચાવડા અને વિજય કોરાટ સહિતનાં નામો ચર્ચામાં છે.
આજે સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લા અને ૪ મહાનગરો માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો સમક્ષ જે નામો આવશે તે તમામ નામો પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે ત્યારબાદ કોઈ એક તારીખ નકકી કરી પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરો માટે પ્રમુખોનાં નામની જાહેરાત કરી દેવામાં આવશે.