અબતક, મુંબઇ
ટી-૨૦ વર્લ્ડકપ પૂર્ણ કર્યા બાદ ભારત પરત આવેલા ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે મોંઘીદાટ ઘડિયાળ હતી જે બાબતે કસ્ટમ્સ વિભાગે તેમની પૂછપરછ કરી હતી. જે મામલે અમુક સોશ્યલ મીડિયાના લેભાગુ તત્વો દ્વારા ભ્રામક અહેવાલો વહેતાં કરવામાં આવ્યા હતા જેના કારણે હાર્દિક પંડ્યાની બદનામી થઈ હતી. જે મામલે ખુદ હાર્દિક પડ્યાંએ જ ખુલાસો કરીને કહ્યું છે કે, મેં પૂછપરછમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને ડ્યુટી ભરવાની તૈયારી પણ બતાવી હતી પરંતુ અમુક લોકો ખોટી રીતે અહેવાલો વહેતા કરી મને બદનામ કરી રહ્યા છે.
હાર્દિક પંડ્યાએ ખુલાસો કરતા કહ્યું છે કે, સોમવારે વહેલી સવારે ૧૫મી નવેમ્બરે, દુબઈથી આવ્યા બાદ, મારું લગેજ લીધા પછી હું સ્વૈચ્છિક રીતે મેં મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ કાઉન્ટર પર જઈને હું જે સામાન લાવ્યો હતો તે જાહેર કર્યો હતો અને જરૂરી કસ્ટમ ડ્યૂટી પણ ભરી હતી. મુંબઈ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ સમક્ષ મારી જાહેરાતને સોશિયલ મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, અને મારે ખરેખર શું થયું હતું તે અંગે સ્પષ્ટતા કરવી છે.
હું યોગ્ય ડ્યુટી ભરી દેવા તૈયારી બતાવી હતી છતાં સોશ્યલ મીડિયામાં અફવાઓએ વેગ પકડ્યું: હાર્દિક પંડ્યા
મેં દુબઈથી કાયદેસર રીતે જે વસ્તુઓ ખરીદી હતી તેને સ્વૈચ્છિક રીતે જાહેર કરી દીધી હતી અને જે ડ્યૂટી થતી હતી તે ભરી દેવાની તૈયારી બતાવી હતી. હકીકતમાં, કસ્ટમ ડિપાર્ટમેન્ટે જે તે ખરીદી અંગેના દસ્તાવેજ માંગ્યા તે રજૂ કરી દીધા હતા; જોકે કસ્ટમ્સ વિભાગ ડ્યૂટી નક્કી કરવા માટે યોગ્ય રીતે વેલ્યૂએશન કરી રહ્યું છે, જેને ભરી દેવા માટેની ખાતરી મેં આપી છે.
સોશિયલ મીડિયામાં જે રીતે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે કે આ ઘડિયાળની કિંમત રૂ. ૫ કરોડ છે, પરંતુ આ ઘડિયાળની સાચી કિંમત આશરે રૂ. ૧.૫ કરોડ છે.
હું ભારતના કાયદાનું પાલન કરનારો નાગરિક છું અને હું ભારતની દરેક સરકારી એજન્સીનું સન્માન કરું છું. મને મુંબઈ કસ્ટમ્સ વિભાગનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે અને મેં પણ તેમને જે દસ્તાવેજો જોઈએ તે પૂરા પાડીને તેમને સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપ્યું છે. કોઈપણ પ્રકારનો કાયદો તોડવા અંગેના મારી સામેના આક્ષેપો તદ્દન અપ્રસ્તુત છે.