સોમવારે એક્ટિવ પેનલના વકીલો ચૂંટણી ફોર્મ ભરશે: 16 ડિસેમ્બર સુધી કોર્ટ સંકુલમાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ રહેશે
વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબ્બકાનું મતદાન પુરૂ થઇ ગયું છે. અને તા.5 ડિસેમ્બરે બીજા તબ્બકાનું મતદાન થતાની સાથે ચૂંટણી ધમધમાટ પુરો થશે પરંતુ રાજકોટ કોર્ટ સંકુલમાં ચૂંટણી પ્રચારના પડધમ તા.16 ડિસેમ્બર સુધી રહેશે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ સિનિયર ધારાશાસ્ત્રીઓએ વિવિદ હોદા માટે ફોર્મ ભર્યા છે. તેની સામે એક્ટિવ પેનલે પણ ઉમેદવારના નામની યાદી જાહેર કરી સોમવારે બાર એસોસિએશનની ચૂંટણીના જુદા જુદા પદ માટે ફોમ ભરવામાં આવશે મતદાન બાદ તે દિવસે જ સાંજે પરિણામ જાહેર થવાનું છે. બાર એસોસિએનની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગ આ વર્ષે કેટલાક ધારાશાસ્ત્રીઓના બારના કારોબાર માટે અસ્તીત્વનો જંગ બની જશે તેવી ચર્ચા શરૂ થઇ છે.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી તા.16 ડિસેમ્બરે યોજવાની તા.25 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી ત્યાર બાદ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગ્રાઇડ લાઇન મુજબ વન બાર વન વોટ મુજબની મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. અને ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તા.3 ડિસેમ્બરે ફોમ ભરવાના, તા.6 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી, તા.8 ડિસેમ્બરે ફોર્મ પરત ખેચવાના, તા.9 ડિસેમ્બરે ચૂંટણીના ઉમેદવારની આખરી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ તા.16 ડિસેમ્બરે મતદાન અને બપોર બાદ મત ગણતરી અને સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે.
બાર એસોસિએશનની ચૂંટણી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ સિનિયર એડવોકેટની બનેલી પેનલમાંથી પ્રમુખ તરીકે લલિતસિંહ શાહી, ઉપપ્રમુખ તરીકે નલિનકુમાર પટેલ, સેક્રેટરી તરીકે દિલીપભાઇ જોષી,જોઇન્ટ સેક્રેટરી તરીકે ટ્રેઝરર તરીકે જી.આર.ઠાકર, લાઇબ્રેરી સેક્રેટર તરીકે જયુભાઇ શુકલ કારોબારી સભ્યમાં બીપીનભાઇ મહેતા, તુલસીદાસ ગોંડલીયા, નરેશભાઇ સિનરોજા, જયેશભાઇ દોશી, ગીરીશભાઇ ભટ્ટ, જી.એલ.રામાણી, જયંતભાઇ ગાંગાણી, મહર્ષિભાઇ પંડયા, જશુભાઇ કરથીયા અને મહિલા અનામત કારોબારી સભ્ય તરીકે રંજનબા રાણાએ ફોર્મ ભર્યા છે.
સિનિયર એડવોકેટ સામે એક્ટિવ પેનલ દ્વારા ઉમેદવારના નામ જાહેર કરી તેઓ સોમવારે ફોર્મ ભરવાના છે. એક્ટિવ પેનલમાંથી પ્રમુખ પદ માટે બકુલભાઇ રાજાણી, ઉપ્રપ્રમુખ પદે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે યોગેશભાઇ ઉદાણી, જોઇન્ટ સેક્રેટરી પદે વિરેન વ્યાસ, ટ્રેઝરર પદે સુમિત વોરા, લાઇબ્રેરી સેક્રેટરી પદે નિલેશ પટેલ, કારોબારી સભ્ય પદ માટે વિવેક સાતા, પિયુશ સખીયા, વિશાલ જોષી, વિમલ ડાંગર, ડી.સી.પરમાર, કલ્પેશ નસિત, મૃપેન ભાવસાર, અભય ખખ્ખર અને રમેશ કાપડીયાના નામની યાદી જાહેર કરી છે.
રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળે તેના માટે બનતી કોશિશ કરીશું: નરેશભાઈ સિનરોજા
ફોર્મ ભરતી વેળાએ સિનિયર વકીલોની પેનલવતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી નરેશભાઈ સિનરોજાએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ રાજકોટ બાર એસો.નું પ્રતિનિધિત્વ કરે તેવી માંગ ઉઠતા આજે સિનિયર વકીલોની પેનલ ફોર્મ ભરી રહી છે. રાજકોટને હાઇકોર્ટની બેન્ચ મળે તે મુદ્દા સાથે અમે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છીએ. વધુમાં તેમણે જુનિયર વકીલો વિશે જણાવ્યું હતું કે, કોર્ટ સંકુલમાં સિનિયર-જુનિયર જેવું કંઈ હોતું જ નથી. સૌ સાથે મળીને અહીં કામ કરતાં હોય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નવી કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતરણ માટે આ વર્ષ ખુબ મહત્વનું છે ત્યારે સિનિયર વકીલોની અને રાજકોટ બારની ભૂમિકા આ વર્ષમાં વિશેષ હશે.