• પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના કટોકટીના નિર્ણયથી નાખુશ થઈ તેઓએ એએસજીના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું

દેશના વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમનનું નિધન થયું છે. આજે બુધવારે 95 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પુત્ર રોહિન્ટન નરીમન પણ વરિષ્ઠ વકીલ રહી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં જજ છે. નરીમને નવેમ્બર 1950માં વકીલ તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી.

તેમના જીવન સાથે જોડાયેલી એક ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી, જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારના નિર્ણય વિરુદ્ધ એએસજીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની લાંબી કાયદાકીય કારકિર્દી દરમિયાન નરીમન ઘણા મોટા ઐતિહાસિક કેસોનો પણ ભાગ રહ્યા છે. તેમાં એનજેએસીનો નિર્ણય પણ સામેલ છે. તે સુપ્રીમ એઓઆર કેસમાં પણ કોર્ટમાં હાજર થયા હતા. કહેવાય છે કે કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવવા પાછળ આ બાબત એક મોટું કારણ હતું. ટીએમએ પાઈ જેવા ઘણા મોટા કેસમાં પણ તે કોર્ટમાં હાજર રહ્યા હતા.

એવું મનાય છે કે નરીમન 1975માં જાહેર કરાયેલી કટોકટીના સરકારના નિર્ણયથી ખુશ ન હતા. અહેવાલ મુજબ, તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર દ્વારા લેવામાં આવેલા કટોકટી નિર્ણયના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

1950માં બોમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકે શરૂઆત કરનાર નરીમનને 1961માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની કાનૂની કારકિર્દી 70 વર્ષથી વધુ છે. લગભગ બે દાયકા પછી તેઓ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં જોડાયા. આ પછી મે 1972માં જ તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.