૮૦ થી વધુ સમાચાર પત્રોમાં ૧૪ ભાષાઓમાં લખતા હતા કોલમ
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું આજે વહેલી સવારે નિધન થઈ ગયું છે. તેઓ ૯૪ વર્ષના હતા. બપોરે ૧ વાગે લોધીઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુલદીપ નાયર ઘણાં દશકાઓથી પત્રકારિતા ક્ષેત્રે કાર્યરત હતાં. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યા છે.
કુલદીપ નાયરે તેમના કરિયરની શરૂઆત ઉર્દુ પ્રેસ રિપોર્ટર તરીકે કરી હતી. તેઓ દિલ્હીના ન્યૂઝ પેપર ધી સ્ટેટ્સમેનના તંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પત્રકાર સિવાય એક્ટિવિસ્ટ તરીકે પણ કાર્યરત હતાં. ઈમરજન્સી દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. નાયર ૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના પ્રતિનિધિ મંડળના સભ્ય રહ્યા હતા.
કુલદીપ નાયર ડેક્કન હેરાલ્ડ (બેંગલુરુ), ધી ડેલી સ્ટાર, ધી સંડે ગાર્ડિયન, ધી ન્યૂઝ, ધી સ્ટેટ્સમેન, ધી એક્સપ્રેસ ટ્રિબ્યુન પાકિસ્તાન, ડોન પાકિસ્તાન, પ્રભાસાક્ષી સહિત ૮૦થી વધુ સમાચાર પત્રો માટે ૧૪ ભાષાઓમાં કોલમ લખતા હતા.
ગઈ ૨૬ જૂને ઈમરજન્સી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીએ ઈમરજન્સી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર કુલદીપ નાયર અને સ્વર્ગસ્થ રામના ગોયન્કાના વખાણ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, તેમના જેવા ઘણાં લોકો અમારા સર્મન ની રહ્યા, પરંતુ તેમણે લોકતંત્ર માટે લડાઈ લડી છે, તેથી હું તેમને સલામ કરુ છું.
ત્યારપછી ટેલીગ્રાફ ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં નાયરે ખુલીને સ્વીકાર્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીના સખત વિરોધી રહ્યા છે. તેમાં વ્યક્તિગત કોઈ પ્રશ્ન નથી, આ વિચારધારાની વાત છે. તેઓ હિન્દુત્વમાં વિશ્વાસ રાખે છે અને હું તેના વિરુદ્ધ છું. હું ખૂબ ઉંડાણપૂર્વકનો સેક્યુલર છું. તેમણે હાલની સ્થિતિની સરખામણી ઈમરજન્સી સાથે જ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ આ વાત મીડિયાને ધ્યાનમાં રાખીને કહી રહ્યા છે અને મીડિયા જે પ્રમાણે પ્રોપેગંડાને મહત્વ આપી રહ્યાં છે તે તરફ તેમનો સંકેત હતો.