૧૪મી માર્ચથી રામકથાનો પ્રારંભ: રાજુલાનાં ૭૨, ખાંભાનાં ૧૨ અને જાફરાબાદનાં ૪૦ ગામોમાં આમંત્રણ પત્રિકા પહોંચી
રાજુલાના આંગણે પૂ.મોરારીબાપુની યોજાનાર રામકથામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના લોકોની રૂબરૂ મુલાકાત કરીને સરપંચ તથા ગામના આગેવાનો નાના ગ્રુપોની મીટીંગો યોજીને સૌને પૂ.મોરારીબાપુની યોજાનાર રામકથા શ્રવણ, પ્રસાદ ગ્રહણ તથા સેવાયજ્ઞમાં આહુતિ અર્પણ માટે પધારવા આમંત્રણ પત્રિકાઓ રૂબરૂમાં પહોંચાડી રહ્યા રહેલ છે.
રાજુલામાં પૂ.મોરારીબાપુ દ્વારા વૃંદાવનબાગ રામપરા-૨ અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલાના સેવાર્થે તા.૧૪/૩/૨૦૨૦ના શનિવારથી તા.૨૨/૩/૨૦૨૦ને રવિવાર સુધી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ રામકથાના યજમાન નિમિત માત્ર કાંતિભાઈ વાણંદ પરિવાર બારડોલી (અમેરિકા) છે. પૂ.મોરારીબાપુની રામકથા તા.૧૪/૩/૨૦૨૦ને શનિવારે બપોરના ૧:૩૦ કલાકે વૃંદાવનબાગ રામપરા-૨થી પોથીયાત્રા નિકળી કથા સ્થળે ચિત્રકુટધામ સાકરીયા હનુમાનજી મંદિરની બાજુમાં, બલાડ માતાના મંદિર સામે, પીપાવાવ ફોરવે રોડ, મહુવા-રાજુલા હાઈવે તા.રાજુલા જિ.અમરેલી પહોંચશે.
કથાશ્રવણનો સમય સવારે ૯:૩૦ થી બપોરના ૧:૩૦ કલાક સુધી તથા સાંજે ૪ થી ૭ સુધીનો રહેશે. પૂ.મોરારીબાપુ દ્વારા વૃંદાવનબાગ રામપરા-૨ અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલા ૧૦૦ ટકા નિ:શુલ્ક હોસ્પિટલ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની આગેવાનીમાં ટ્રસ્ટ દ્વારા બનાવી રહ્યા છે. તેના સેવાર્થે રામકથા યોજાનાર છે તો આ સેવા યજ્ઞમાં સૌને આહુતિ આપવા માટે રાજુલાના સિનિયર સિટીજનો દ્વારા અત્યાર સુધીમાં રાજુલાના ૭૨ ગામો, ખાંભાનાં ૧૨ ગામો અને જાફરાબાદનાં ૪૦ ગામોમાં આમંત્રણ પત્રિકાઓ રૂબરૂમાં પહોંચાડી દીધેલ છે જે ખુબ જ સરાહનીય કામગીરી છે.
આ કામગીરીમાં કાળુભાઈ માલાણી, ભરતભાઈ સાવલીયા, જે.પી.ડેર, એ.ડી.ભટ્ટ, એમ.ડી.જોષી, જોરૂભાઈ ધાખડા, ભીખુભાઈ બારોટ, પ્રેમજીભાઈ મકવાણા, હિરાણી, ભુપતભાઈ ધોળકિયા, છગનભાઈ કલસરીયા, કાનજીભાઈ આહિર, હરેશભાઈ જોષી, મધુભાઈ ભંડેરી, છગનભાઈ ટાંક, વસંતભાઈ મહેતા, એમ.જી.ઉપાધ્યાય, પી.સી.વ્યાસ, કે.જી.ગોહિલ, કચરાભાઈ, ભુપતભાઈ ગાંગડીયા વિગેરે દ્વારા રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને ચિમનભાઈ વાઘેલાના માર્ગદર્શન નીચે સૌએ કામગીરી સ્વૈચ્છાએ બજાવેલ છે.