જૂનાગઢમાં ફરી રોપ-વે શરૂ: 31મી માર્ચ સુધી સિનિયર સિટીઝનોને 10 ટકા વળતર

વળતર મેળવવા સિનિયર સિટીજનોએ ઓળખકાર્ડ સાથે રાખવા અનુરોધ

જૂનાગઢના ગિરનાર પર્વત પરના રોપવે ગઈકાલથી ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. અને આગામી 31 માર્ચ સુધી સિનિયર સિટીઝન માટે 10 ટકા વળતર આપવાની ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિવરાત્રિના મેળા ને કારણે ગિરનારનો રોપ વે  ગુરુવાર સુધી બંધ કરવામાં આવ્યો હતો, જે ગઇકાલે સવારે આઠ વાગ્યાથી ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે અને પ્રથમ દિવસે જ રોપ વેની સફર માણવા પ્રવાસીઓનો ભારે ઘસારો રહેવા પામ્યો હતો. જો કે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં એકઠા થઇ ગયા હોવાની અને સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ તથા માસ્ક પહેર્યા વગરના પ્રવાસીઓ નજરે પડતા હોવાની પણ શિક્ષિત અને સમજદાર પ્રવાસીઓ માંથી બૂમો ઉઠવા પામી હતી. બીજી બાજુ આ રોપવેનું સંચાલન કરતા ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સવારના 8 થી સાંજના પ વાગ્યા સુધી નિયમિત રીતે હવે રોપ-વે શરૂ કરી દેવામાં આવ્યો છે, અને આગામી તા. 15 માર્ચથી 31 માર્ચ સુધી સિનિયર સિટીઝનોને રોપ વેની આવક જાવક ની ટિકિટ માં 10 ટકાનું વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે, સાથોસાથ આ ઓફરનો લાભ લેવા માટે સિનિયર સિટીઝનો એ પોતાનો  ઉંમર સાથેનું ઓળખકાર્ડ સાથે રાખવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.