કોરોનાના કહેરે ફૂલોને પણ કરમાવ્યા…
અચાનક જ ગલગોટાનો જોર જોરથી રડવાનો આવાજ આવે છે, તે સાંભડીને બધા ફૂલ ગુલાબ, સનફ્લાવર, મોગરો, ટગર તેના તરફ વળ્યા અને પૂછ્યું કેમ શું થયું ભાઈ તું આ રીતે કેમ રડે છે? તો ગલગોટાએ રડતાં રડતાં કહ્યું હવે આટલો વખત વીતી ગયો અને હું પણ મારવાની અણીએ આવ્યો છે ત્યારે મને મારો પ્રભુ યાદ આવ્યો છે.
જેના ચરણોમાં હું પડ્યો રહું અને પ્રભુના ભક્તો મને એક હારમાં પરોવી તેને ગાળામાં પહેરાવે જેથી હું હમેશા પ્રભુના હ્રદયની પાસે જ રહું છું ,પણ આ કોરોનાએ તો મારૂ જીવન આમ ને આમ વ્યર્થ બનાવ્યું. મે કેવા કેવા સપનાઓ જોયા હતા, મારા પ્રભુનું સ્મરણ કરીને હું કળી માથી ફૂલ થયો અને તેના શરણોમાં જ મારે લીન થવું હતું. આ તો માત્ર ગલગોટાની આપવીતી હતી. તેવી જ રીતે કેવડો તેના શિવને યાદ કરતો રડવાગયો.
માંડ તેને ચૂપ કરાવ્યો તો મોગરાનાં ફૂલોની ટોકરી માથી ડબ ડબ આંસુ વહેવા લાગ્યા, એને મોગરાઓની હારબંધ વેણીઓ પોતાની સુંદર દુલહનોને પોકારવા લાગી. દુલ્હન પોતાના જીવનના ખાસ દિવસે કેશ ગૂંથનમાં મસ્ત મજાનાં તાજા ફૂલોની મહેકતી વેણીઓ નાખે છે, પરંતુ અહી આ મોગરા અને ટગર આમને આમ ટોકરીમાં પડ્યા પડ્યા બેહાલ થયા છે.
ગુલાબ તો ગુસ્સામાં પોતાના જ કાંટાથી પોતાને ઇજાઓ પહોચડવા લાગ્યા અને કહેતા ગયા “ અમારા મૃત્યુ પછી અમને વહેતા જળમાં પધરાવતા જજો, નથી જીવવું આમ અંધકારમાં, એકાંતમાં અમે તો પ્રેમનું પ્રતિક છીએ, લગ્ન હોય કે સગાઈ એક સાથી પોતાના પ્રેમને વ્યક્ત કરવા અમારો જ સહારો લેતા આવ્યા છે. અને આ કોરોના એ તો એ પ્રેમને ગોંધી રાખ્યો છે, અમે અમારા જ કાંટાને હથિયાર બનાવી અમારું જીવન ટૂંકાવી છીએ. અમને માફ કરજો તમારો અડધા રસ્તે સાથ છોડીને જઈએ છીએ.
પછી અમને એમ સમય વિતતો ગયો ફૂલોની દુકાન તો ખૂલી નથી કોઈ તેને પાણી આપવા કે જોવા પણ આવ્યું નહીં, એક પછી એક ફૂલ કરમતા ગયા અને ફૂલોની અર્થી ત્યાં ને ત્યાં ઉપાડ્યા વગરની રહી ગઈ.