રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સનું આયોજન: નિષ્ણાંતો દ્વારા અપાશે માર્ગદર્શન

જીએસટી કાયદા અન્વયે ઉદભવતા પ્રશ્ર્નો જેવા કે, તા.૩૦ જુનના વેપારી પાસે બાકી રહેતા માલ સ્ટોક પર ભરેલ વેરાઓનું વળતર કઈ રીતે મળી શકે, નિકાસકારોને હાલમાં મળી રહેલ જુદા જુદા પ્રકારના લાભો જીએસટી કાયદાનો અમલ થતા મળનાર નથી. તેથી તેની અવેજીમાં અન્ય કોઈ પ્રકારની સહાય મળશે કે કેમ ? તેમજ બિલ્ડર્સ અને ડેવલપર્સને વણવેચાયેલ મકાનો અને ફલેટ વગેરે મિલકત પર ભરેલ કોમર્શીયલ વેરાનું રકમનું વળતર મળવાપાત્ર થશે કે કેમ ? આ ઉપરાંત જુદી જુદી ચીજ વસ્તુઓ ઉપર લાગુ પડતો વેરાદર અંગેની સમજણ મળી રહે તેમજ વેપારીઓને મુંઝવતા અનેક પ્રશ્ર્નોનું સમાધાન મળી રહે તે ઉદેશથી જીએસટી કાયદાના જ્ઞાતા અને રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા મુંબઈના એડવોકેટ શૈલેષભાઈ શેઠ, કલ્પેશ દોશી, બ્રિજેન મહેતાના માર્ગદર્શન હેઠળ અને રાકેશકુમાર શર્મા (આઈઆરએસ), પ્રિન્સીપલ કમિશનર સેન્ટ્રલ એકસાઈઝ મુખ્ય મહેમાન તરીકે તેમજ સુવિધકુમાર શાહ (આઈએફટીએસ) ડેપ્યુટી ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ તથા શિરીષભાઈ મહેતા તથા કૌશિકભાઈ મહેતાની ઉપસ્થિતિમાં પ્રશ્ર્નમંચ તથા માર્ગદર્શક સેમિનારનું તા.૫ને બુધવારે ૮:૩૦ થી ૧:૩૦ દરમિયાન આયોજન થયું છે.

આ સેમિનારમાં વેપારીઓને મુંઝવતા પ્રશ્ર્નો અંગે પ્રશ્ર્નમંચ ‘આપના પ્રશ્ર્નો જ્ઞાતાના જવાબ’નું ખાસ આયોજન કરવામાં આવેલ છે અને આ અંગે વધુમાં વધુ સમય ફાળવવામાં આવેલ છે. જેથી સેમિનારમાં હાજર રહેલ વેપારીઓને ઉદભવતા પ્રશ્ર્નો સ્થળ પર પુછી નિરાકરણ મેળવી શકશે. આ સેમીનારમાં ભાગ લેનાર સર્વે સભ્યોને જીએસટી કાયદા અંગેની સરળ સમજ અને પ્રશ્ર્નોતરી અંગે કાર્યક્રમ દરમ્યાન અનાવરણ કરેલ મલ્ટીકલર પ્રીન્ટીંગ કરેલ માહિતીસભર બુક ભેટ‚પે આપવામાં આવશે. સેમીનારમાં ભાગ લેવા ઈચ્છતા વેપારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરાની આગેવાની હેઠળ રાજીવભાઈ દોશી ઉપપ્રમુખ, કાંતીભાઈ જાવીયા ઉપપ્રમુખ, ઈશ્ર્વરભાઈ બાંભોલીયા સહમંત્રી, સંજયભાઈ મહેતા સહમંત્રી, અજીતસિંહ જાડેજા ખજાનચી, વસંતભાઈ લીંબાસીયા સહખજાનચી તથા કિશોરભાઈ કોરડીયા ભૂતપૂર્વ ખજાનચી, મયુરભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.