અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટયુટ અને યુજીસી એચ.આર.ડી. સેન્ટરના સંયુકત ઉપક્રમે શાનદાર આયોજન
પ્રણામી સંપ્રદાયનાં વડા પૂજ્ય ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને ભક્તિ સાહિત્યનાં ભારતખ્યાત વિદ્વાન, આરએસએસનાં વડા ડો. કૃષ્ણ ગોપાલજીનાં પ્રેરક વક્તવ્યો સાથે ડો. રણજીત સાહા, ડો. અનુજ પ્રતાપસિંહ અને પ્રવીણ પરીખ તેમજ ગુજરાતી વિદ્વાન મંડળ ડો. નિરંજન રાજ્યગુરુ, ડો. નાથાલાલ ગોહિલ, ડો. મનોજ રાવલ અને લાભશંકર પુરોહિત સૌરાષ્ટ્રનાં ભક્તિ આંદોલન વિશે વ્યાખાનો આપશે.
કેન્દ્રિય હિન્દી સંસ્થાનાં વડા ડો. નંદકિશોર પાંડે અને સિંધી ભાષાનાં નેશનલ કાઉન્સીલનાં વડા ડો. રવિપ્રકાશ ટેકચંદાણી તથા ભક્તિ આંદોલનનાં ઊંડા અભ્યાસી ડો. કૃપાશંકર પાંડે, ડો. ઉદયપ્રતાપસિંહ, શ્રીધર પરાડકર, અન્નારામ શર્મા અને ઋષિકુમાર મિશ્રા પણ ઉદ્દબોધન કરશે.
ભારત સરકાર સંચાલિત કેન્દ્રિય હિન્દી સંસ્થાન આગ્રા અને ગાર્ડી રિસર્ચ ઈન્સિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ તેમજ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતનાં સહયોગથી ભક્તિ આંદોલન એવમ કૃષ્ણપ્રણામી સંપ્રદાય અંગે બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન તા. ૨૫ અને ૨૬ જુલાઈનાં રોજ સૌરાષ્ટ્ર યુનિ. યુજીસી હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સેન્ટર તરફથી એન.એફ.ડી.ડી. હોલ સૌ.યુનિ. ખાતે કરવામાં આવ્યું છે.
બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનાં પ્રથમ દિવસ તા. ૨૫ જુલાઈનાં રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ વાગ્યા સુધી ઉદ્દઘાટન સમારોહ યોજાશે. જેમાં પ્રણામી સંપ્રદાયનાં વડા આચાર્ય પૂજ્ય ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ આપશે. આ પ્રસંગે ભક્તિ સાહિત્યનાં વિદ્વાન પીએચડી પદવી મેળવનારા આરએસએસનાં સહસર કાર્યવાહ આદરણીય કૃષ્ણ ગોપાલજી ભક્તિ આંદોલન અંગે બીજ ભાષણ આપશે અને પ્રમુખ અતિથિ સ્થાન પરથી કેન્દ્રિય હિન્દી સંસ્થાન આગ્રાનાં નિયામક ડો. નંદકિશોર પાંડે તથા અધ્યક્ષ સ્થાને સૌ.યુનિ.નાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ડો. બળવંતભાઈ જાની સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરશે જ્યારે કાર્યક્રમનાં સૂત્ર સંચાલક ડો. કલાધર આર્ય રહેશે.
પ્રણામી સંપ્રદાયનાં વિદ્વાનો ડો. બળવંતભાઈ જાની, પ્રણામીનાં સ્થાપક મહામતિ પ્રાણનાથ વિશે ડો. પ્રવીણ પરીખ, ડો. અનુજ પ્રતાપસિંહ ડો. રણજીત સાહા અને ડો. લાભશંકર પુરોહિત પ્રણામી ધર્મનાં વિવિધ પાસાઓ વિશે અભ્યાસપૂર્ણ વ્યાખાનો આપશે. પ્રથમ દિવસનાં અંતે યોજાયેલી સંગોષ્ઠીનું સમિક્ષક સમાપન અભિભાષણ આદરણીય પૂજ્ય ૧૦૮ કૃષ્ણમણી મહારાજ આપશે. સમગ્ર કાર્યક્રમમાં કૃષ્ણમણી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ એક મહત્વની ઘટના બની રહેશે