રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સવ્યવસ્થા પ્રમુખ અને સ્પીપાના તજજ્ઞ નરેન્દ્ર દવેનાં વરદહસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન: મુખ્ય વકતા તરીકે પુરાતત્વ જ્ઞાતા, જાણીતા સાહિત્યકાર અને પૂર્વ આચાર્ય નરોતમ પલાણનું વકતવ્ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઈતિહાસ ભવન અને જયાબેન ફાઉન્ડેશન રાજકોટનાં સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં માર્ગદર્શન હેઠળ જાણીતા પુરાતત્વ વિદ પી.પી.પંડયાની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનાં ઉપલક્ષ્યમાં આગામી તા.૭મી જાન્યુઆરીને મંગળવારનાં રોજ બપોરે ૩:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેનેટ હોલ ખાતે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદઘાટન રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સહવ્યવસ્થા પ્રમુખ અને સ્પીપાના લેકચરર નરેન્દ્ર દવેનાં હસ્તે થશે. આ પરીસંવાદમાં જાણીતા સાહિત્યકાર, પૂર્વ પ્રિન્સીપાલ અને પુરાતત્વવિદ નરોતમ પલાણ ‘પુરાતત્વ અને પી.પી.પંડયાએ કરેલા કાર્યો’ વિષય પર સૌને માહિતગાર કરશે. સૌરાષ્ટ્રનાં જાણીતા પુરાતત્વવિદ પુરૂષોતમ પ્રેમશંકર પંડયા ગુજરાતી પુરાતત્વ શાસ્ત્રનાં સંશોધક હતા અને સૌરાષ્ટ્ર રાજયનાં પુરાતત્વ અને સંગ્રહશાલય વિભાગનાં વડા હતા. સૌરાષ્ટ્ર રાજયનું વિલીનીકરણ મુંબઈ રાજયમાં થતા તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ અને હાલ ગુજરાત રાજય તથા મુંબઈ વિસ્તારનાં પુરાતત્વ અને સંગ્રહ સ્થાનનાં વડા બન્યા. પુરાતત્વવિદ પી.પી.પંડયાએ સઘન સંશોધન કરી સૌરાષ્ટ્રમાં આદિમાનવનાં અસ્તિત્વથી માંડી પ્રાગઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક સમયની સંસ્કૃતિઓનાં અવશેષો શોઘ્યા જેમાં હરપ્પીય સંસ્કૃતિ, ઈ.સ.૧૨૦૦ થી ઈ.સ.નાં છઠ્ઠા સૈકા સુધીનાં સળંગ ઈતિહાસ અને ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌઘ્ધ ગુફાઓ ખંભાલીડાની શોધ કરી હતી. રોજડી અને પ્રભાસપાટણ ખાતે પુરાતત્વીય ઉત્ખન્નો કર્યા. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં પગપાળા પ્રવાસ કરીને ૨૦૦ ઉપરાંત પ્રાચીન સ્થળોની શોધ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પાશ્ર્ચાપય પુરાતત્વવિદોના મતને ખોટો સાબિત કરી દેશનાં પુરાતત્વ ઈતિહાસમાં સૌરાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન અપાયું હતું. આ માટે પી. પી. પંડયાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ભારત સરકારનાં પુરાતત્વ વિભાગમાં ઉચ્ચ હોદા અને પગાર સાથે નિમણુકનો અસ્વિકાર કર્યો અને સૌરાષ્ટ્રનું પોતાનું સંશોધનકાર્ય ચાલુ રાખયું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૭મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્યો, ભવનના અધ્યક્ષો, પ્રાઘ્યાપકો, શહેરનાં પ્રબુઘ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈતિહાસ ભવનનાં અધ્યક્ષ પ્રફુલાબેન રાવલ અને સિન્ડીકેટ સભ્ય તેમજ જયાબેન ફાઉન્ડેશન, રાજકોટનાં ફાઉન્ડર પરેશ પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે.