ભારત સરકારની ટીમે યાત્રાધામની મુલાકાત લીધી
ભારત સરકારના અતુલ્ય ભારત મિશન અંતર્ગત સ્વચ્છ ભારત સ્વચ્છ ટુરીઝમ મિશન માટે કેન્દ્રીય અધિકારીગણની ટીમ દ્વારકાની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન દ્વારકાની એન.ડી.એચ.હાઈસ્કુલ તથા દ્વારકાની અગ્રણી સંસ્થાઓ તથા વરિષ્ઠ નાગરિકો સાથે સીધો સંવાદ કરી સ્વચ્છ ભારત અભિયાન અંગે સુચનો તથા માર્ગદર્શન સાથેની વિચારગોષ્ઠી યોજવામાં આવી હતી.
આ અભિયાનમાં એસ.કે.શાહ, એ.એસ.આઈ, સૌરભ દિક્ષિત, ડો.રમેશ દેવરથ, આસીફ ખાન ઈન્ડીયન ટુરીઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટના અધિકારીગણે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે દ્વારકાના અગ્રણીઓ ઈશ્વરભાઈ ઝાખરીયા, વિનુભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, જેન્તીભાઈ બાંભણીયા સહિતનાએ દ્વારકા યાત્રાધામની સ્વચ્છતા તથા સફાઈના મુદ્દે વિગતવાર ચર્ચાઓ કરી હતી. ઉપરોકત ટીમ દ્વારા ભારત સરકાર દ્વારા તૈયાર થયેલ અન્ય યાત્રાધામોની સ્વચ્છતા અંગેની ટેલીફીલ્મ પણ રજુ કરાઈ હતી અને ઉપસ્થિતિને સફાઈ અંતર્ગત કિટનું પણ વિતરણ થયું હતું.