વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન કરતા પહેલા કઈ સાવધાની રાખવી તે અંગે લીંબડી કોલેજમાં વિદ્યાર્થીઓને સમજ અપાઈ
એનઆરજી ફાઉન્ડેશન-ગાંધીનગર અને એન.આર.જી. સેન્ટર-રાજકોટના સંયુકત ઉપક્રમે લીંબડીમાં વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે જાગૃતતા પરીસંવાદ યોજવામાં આવ્યો હતો અને વિવિધ વકતાઓએ કોલેજના વિદ્યાર્થીઓને સામાજિક અને કાનુની સમજ આપી હતી.
લીંબડીની એ.આર.એસ. સખીદા આર્ટસ કોલેજ, સી.સી.હોમ સાયન્સ કોલેજ અને સી.સી. ગેડીવાલા કોમર્સ કોલેજમાં યોજાયેલા આ પરીસંવાદમાં મુખ્ય વકતા ડો.ભાવનાબેન જોષીપુરાએ વિદ્યાર્થીઓને વિદેશમાં લગ્ન કરતા પૂર્વે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે સમજ આપી હતી. લીંબડી કેળવણી મંડળના ડાયરેકટર પ્રકાશ સોનીએ પણ લગ્નોત્સુક ક્ધયાઓને સામા પાત્રની તમામ પ્રકારની માહિતી ચકાસ્યા પછી નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. એનઆરજીએફ-ગાંધીનગરના ડાયરેકટર એમ.પી.લવિંગીયાએ ફાઉન્ડેશનની કામગીરી વિશે માહિતી આપી હતી.
રાજકોટમાં એનઆરજી સેન્ટરનું સંચાલન પ્રોજેકટ લાઈફ સંસ્થા દ્વારા થાય છે. સંસ્થાના જોઈન્ટ એકિઝકયુટિવ ટ્રસ્ટી મિતલ કોટીચા શાહે એનઆરજી સેન્ટર વિશે માહિતી આપી હતી. કોલેજના પ્રિન્સીપાલ એસ.જી.પુરોહિતે તમામ મહેમાનોનો પરીચય આપ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન એનઆરજી સેન્ટર-રાજકોટના ઈન્ચાર્જ રાજીવ મિશ્રાએ કર્યું હતું. આ પરિસંવાદમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.