ભારતની વેદાંતા કંપની તાઈવાનની ફોક્સકોન કંપની સાથે મળીને અમદાવાદ નજીક 1000 એકરમાં રૂ.1.60 લાખના ખર્ચે મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરશે
સેમિક્ધડક્ટર માટે ભારત હજુ પણ અન્ય દેશો પર નિર્ભર છે. જો કે આવનારા સમયમાં આ નિર્ભરતાનો અંત આવશે. આનું કારણ એ છે કે ભારતે હવે સેમિક્ધડક્ટરમાં પણ આત્મનિર્ભર બનવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા છે. તેના પરિણામ સ્વરૂપે, હવે દેશની સુપ્રસિદ્ધ ખાણકામ કંપની વેદાંતા તાઈવાનની કંપની ફોક્સકોન સાથે મળીને ગુજરાતના અમદાવાદમાં એક મોટો સેમિક્ધડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.
ભારત હવે સેમિક્ધડક્ટર્સના મામલે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સેમિક્ધડક્ટરની અછતના કારણે ઉદ્યોગોને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઓટોમોબાઈલ અને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી આનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ છે. સેમિક્ધડક્ટરની અછતને કારણે લોકોને કાર ખરીદવા માટે લાંબી રાહ જોવી પડી હતી. સેમિક્ધડક્ટરની અછત હજુ પણ દૂર થઈ નથી. પરંતુ હવે ટૂંક સમયમાં દેશમાં એક મોટો સેમિક્ધડક્ટર પ્લાન્ટ સ્થાપિત થવા જઈ રહ્યો છે. વેદાંતા લિમિટેડ ફોક્સકોન સાથે 1.60 લાખ કરોડનું સંયુક્ત સાહસ સ્થાપશે. કંપનીએ આ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતને પસંદ કર્યું છે.
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વેદાંતાને સેમિક્ધડક્ટર પ્લાન્ટ્સ બનાવવા માટે ગુજરાતમાંથી સસ્તી વીજળી તેમજ નાણાકીય અને બિન-નાણાકીય સબસિડી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતમાં અમદાવાદ નજીક ડિસ્પ્લે અને સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હશે. પ્રોત્સાહનો માટે લોબિંગ કરીને, વેદાંતે 99 વર્ષ માટે 1,000 એકર જમીન લીઝ પર આપવાની માંગ કરી હતી. આ સાથે 20 વર્ષ સુધી સબસીડી અને નિયત ભાવે પાણી-વીજળી માંગવામાં આવી હતી.
ચિપ્સ ઉદ્યોગ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે
ભારતનું સેમિક્ધડક્ટર માર્કેટ વર્ષ 2026 સુધીમાં 6,300 મિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2020 માં, તે માત્ર 1500 મિલિયન ડોલર હતું. અત્યારે વિશ્વના મોટાભાગના દેશો સેમિક્ધડક્ટર માટે તાઇવાન જેવા કેટલાક દેશો પર નિર્ભર છે. છેલ્લા કેટલાક સમયથી ચિપ્સની અછતને કારણે ઓટો અને સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમઓયુ થયા
જો કે આ અંગે વેદાંતા કે ફોક્સકોન દ્વારા આજ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. બાદમાં આજરોજ ઓચિંતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કંપનીએ સરકાર સાથે એમઓયુ કર્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું હતું. સામે કંપનીના પ્રતિનિધિઓએ પણ સુવિધા આપવા બદલ ગુજરાત સરકારનો આભાર પ્રગટ કર્યો હતો. આ ઈવેન્ટમાં જીતુભાઈ વાઘાણીની પણ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવામાં ગુજરાત પણ પોતાનો સિંહફાળો આપી રહ્યું છે.
ગુજરાત સરકાર તરફથી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે
રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક પણ આ મેગા પ્રોજેક્ટની રેસમાં કંપનીની યાદીમાં હતા. પરંતુ જમીન અને અન્ય છૂટછાટોને જોતા ગુજરાતમાં આ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવાયો હતો. વેદાંતાને સેમિક્ધડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર તરફથી સસ્તી વીજળી તેમજ નાણાકીય અને બિન-નાણાકીય સબસિડી મળશે. વેદાંતાએ 1000 એકર જમીન 99 વર્ષ માટે મફતમાં લીઝ પર આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત 20 વર્ષ માટે નિયત ભાવે પાણી અને વીજળીની સપ્લાય પણ માંગવામાં આવી હતી. સરકારે કંપનીની માંગણી સ્વીકારી હતી.